આપણા અમદાવાદમાં રખડતાં ઢોર લોકોને કાયમ કનડતી સમસ્યા

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તા પરના રખડતાં ઢોર કાયમની સમસ્યા છે. નાગરિકો વારંવાર રખડતાં ઢોરની અડફેટે ચડીને મુસીબતમાં મુકાઈ રહ્યા છે. અમુક વાર તો નિર્દોષ વ્યક્તિને ગંભીર ઈજા થાય છે અથવા તો જીવન ગુમાવવો પડે છે.
તેમ છતં મ્યુનિ. સત્તાવાળાઓ પાસે રખડતાં ઢોરની રજાડથી લોકોને રાહત આપવાનો કોઈ અસરકારક ઉપાય નથી. મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના રસ્તા પર રખડતાં ઢોરને પકડીને તેને બહેરામપુરાના ઢોરવાડામાં પુરવામાં આવે છે. જાેકે તંત્રની ઢોર પકડવાની કામગીરી વારંવાર વિવાદોમાં મુકાઈ છે.
ઢોર ન પકડવા માટેના હપ્તા બાંધેલા હોવાના ગંભીર આક્ષેપો થઈ ચૂકયા છે. ખાસ તો ઢોર પાર્ટીને પશુપાલકોના હુમલાઓ સામે રક્ષણ આપવા અપાયેલો પોલીસ બંદોબસ્ત જ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાઈ ગયો છે. પોલીસ વિભાગનો કેટલોક સ્ટાફ પશુપાલકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરતો હોવાનું એસીબીની તપાસમાં પણ પુરવાર થઈ ચુકયું છે.
રખડતાં ઢોરની કામગીરીમાં તંત્ર નબળું સાબિત થઈ રહ્યું હોઈ વચ્ચે ભાજપના પ્રદેશ સી.આર. પાટીલે પણ મ્યુનિ. અધિકારીઓનો ઉઘડો લીધો હતો. સરખેજમાં વરઘોડા દરમિયાન એક આખલો ઘુસી ગયો હતો અને આખલાએ જાનૈયાઓને અડફેટે લીધા હતા. સદનસીબે, આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સી.આર.પાટીલે આની ગંભીર નોંધ લીધી હતી.
આમ તો હાઈકોર્ટે પણ રખડતાં ઢોરની સમસ્યા અંગે તંત્રના વારંવાર કાન આમળ્યા છે. અમદાવાદ સહિત રાજયભરમાં રખડતાં ઢોર પર પ્રતિબંધ મૂકવાની હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ કરાઈ છે, જેની સુનાવણીમાં રાજય સરકારે રખડતાં ઢોરના ત્રાસ પર અંકુશ મૂકવા સરકાર કાયદો લાવશે તેવું આશ્વાસન હાઈકોર્ટને આપ્યું છે.
કાયદા પ્રમાણે ઢોરને રહેવાની જગ્યા તેમજ ખોરાક આપવા માટે પશુપાલકો બંધાયેલા છે, પરંતુ મોટા ભાગના પશુપાલકો તેમના ઢોરને રસ્તા પર છોડી દે છે.