આપણી જાહેર ક્ષેત્રની બેન્કો અપંગ બની ગઈ છે: રઘુરામ રાજન
ખાનગીકરણ કરવાના બદલે સંચાલન અને નિયમો સુધારોઃ રઘુરામ રાજન
નવીદિલ્હી, સરકારના ટીકાકાર રહેલા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સરકાર વ્યૂહાત્મક અસ્કયામતોનું ખાનગીકરણ કરવાના બદલે સંચાલન સુધારે તે જરુરી છે. સમગ્ર વિશ્વને નવો આકાર આપી રહેલી ન્યુ ઇકોનોમી પરની ચર્ચાની પેનલમાં રાજન હતા. અન્ય સ્પીકરોમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા અને તમિલનાડુના નાણાપ્રધાન પલાનીવેલ થિયાગરાજન હતા.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનટે ખાનગીકરણ અંગે પૂછેલા સવાલના જવાબમાં થિયાગરાજને જણાવ્યું હતં કે તેમની સરકાર ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રનું મહત્ત્વ સમજે છે, પરંતુ જાહેર ઉપયોગિતાના ઉત્પાદનો અને સેવાઓ, રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પાસે જ રહેવા જાેઈએ.
રાજન તે વાત સાથે સંમત હતા કે બધા ક્ષેત્રો માટે સ્પષ્ટ ભૂમિકા હોવી જાેઈએ. સરકારે કંઈ ઘડિયાળ બનાવવા (એચએમટી)ના કારોબારમાં ન રહેવું જાેઈએ. રાજ્યના હેતુઓ જુદા હોય છે અને તેણે સુનિશ્ચિત કરવું જાેઈએ કે ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધા જળવાવી જાેઈએ, ઇજારાશાહીની સ્થિતિ ન આવવી જાેઈએ.રાજને જણાવ્યું હતું કે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તમે ખાનગીકરણ પૂરતા નિયમન વગર કરો તો તેમા પણ ઇજારાશાહી સ્થપાઈ શકે છે. ખાનગી ક્ષેત્ર રીતસરનું લોકોનું શોષણ કરી શકે છે.
સામ પિત્રોડાનું સૂચન હતું કે સરકારે મિલકતોનું સીધું વેચાણ કરવાના બદલે તેમા તેનું હોલ્ડિંગ ઘટાડવું જાેઈએ. તેમની વાત સાથે સંમત થતા રાજને જણાવ્યું હતું કે શા માટે આપણે સંચાલનમાં સુધારો કરી ન શકીએ. તમે પબ્લિક ઇશ્યૂ દ્વારા જાહેર એકમોનું ખાનગીકરણ કરો છો, તેના શેરોનું જાહેર જનતાને વેચાણ કરો છો.
ICICIનું આ જ રીતે ખાનગીકરણ કરવામાં આવ્યું. પરંતુ વાસ્તવમાં તે લોકો માટે બનેલી બેન્ક છે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્રની પૂરતી સ્પર્ધા જરૂરી છે. પરંતુ તેની સાથે-સાથે તે પણ જાેવું જરુરી છે કે જાહેર ક્ષેત્ર અપંગ ન બની જાય અને તેને વિશેષાધિકારો પણ ન મળે.
આપણી જાહેર ક્ષેત્રની બેન્કો અપંગ બની ગઈ છે. હું જાેતો નથી કે જાહેર ક્ષેત્રની કોઈપણ બેન્ક એસેટ્સ પર બેઠી હોય. પણ આપણે તે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આપણા નિયંત્રણો અને નિયમો એવા હોવા જાેઈએ કે ખાનગી ક્ષેત્ર તેનો ફાયદો ન ઉઠાવી શકે. સુસંચાલન અને સારા નિયમો તે ખાનગીકરણ બરાબર જ બાબત છે.
રાજન હાલમાં શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ યુનિવર્સિટીમાં ફાઇનાન્સના પ્રાધ્યાપક છે. રાજને સરકાર હેલ્થકેર અને શિક્ષણ પાછળ પૂરતો ખર્ચ કરી ન રહી હોવાની તથા તેમા કાપ મૂકતી રહી હોવા બદલ ટીકા કરી છે. આપણુ દેવું જીડીપીના ૯૦ ટકાથી ઉપર પહોંચી ગયું છે. લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. પરિસ્થિતિ છે તેનાથી પણ ખરાબ બની રહી છે.