આપણે ત્યાં એવા ઘણા રિવાજો છે જે સ્ત્રીઓને એકવીસમી સદીમાંથી છેક અઢારમી સદીમાં ધકેલી દે છે
પરિવારના શુભ પ્રસંગની વિધિમાં વિધવા કેમ ના જોડાઈ શકે ?
એક દીકરીની ગ્રહશાંતિ ચાલી રહી હતી. દીકરીના મમ્મી-પપ્પા એના કરતા પણ વધારે ખુશ હતા. દીકરીનો પરિવાર નાનો હતો. દાદા થોડા સમય પહેલાં ગુજરી ગયેલા અને આખા ઘરને સુખી રાખવાની જવાબદારી દાદીએ પોતાના ખભે લઈ લીધેલી. નારિયેળ હોમવાનો સમય થયો. આખો પરિવાર નારિયેળ હોમી રહ્યો હતો અને પેલા દાદીને મહ્યરા પાસે ટભા રહેવાની પણ મંજૂરી નહોતી મળી. એ કોરી આંખે પાંચ-સાત લાઈન દૂર બેસી રહેલા. આ એ જ દાદી હતા જેમણે કારણે એમની વહુએ ઘરમાં કામ નહોતું કરવું પડતું.
આ એ જ દાદી હતા જેમણે પેલી દીકરીને રાજકુમારના સપના જોતાં શીખવ્યું હતું. દિકરાનું લગ્નજીવન ટકી જવા પાછળ થોડો ઘણો ફાળો આ દાદીનો પણ હતો. લગ્નના ખર્ચમાં, રિવાજોને આધીન અપાતી વિદાયગીરીમાં આ દાદીએ પોતાના પેન્શનનો અડધો હિસ્સો પણ આપેલો પણ આ દાદીને જ વિધિમાંથી બાકાત રખાયા. જાણો છો કેમ ? કારણ કે દાદી વિધવા હતા…!
આ કોઈ એક ઘરની વાત નથી. આપણે ત્યાં હજી પણ ઘણાં ઘરોમાં, ઘણાં સમાજમાં લગ્ન, સીમંત જેવા શુભ પ્રસંગોમાં વિધિની વાત આવે ત્યારે વિધવા, અપરિણીત કે સંતાનવિહોણી સ્ત્રીને દૂર રાખવામાં આવે છે.
મારો સવાલ એ છે કે, વિધવા સ્ત્રી નારિયેળ હોમે તો શું થાય ? સૌભાગ્ય પામવા જઈ રહેલી તમારી દીકરીનો સુહાગ મુશ્કેલીમાં મૂકાઈ જાય ? દીકરાને સંતાનો ના થાય ? એમના લગ્ન તૂટી જાય ?
આ માત્ર પેલા દાદી કે એમના જેવી સ્ત્રીઓનું જ દુર્ભાગ્ય નથી. આ આપણા આખા સમાજનું દુર્ભાગ્ય છે. ક્રોપ ટોપ પહેરવાથી કિટી પાર્ટીમાં જવાથી કે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઓ મૂકવાથી રિલો ઉતારવાથી બિયરની ચુસ્કીઓ લેવા માત્રથી તમે મોર્ડન બની જતા નથી. મોર્ડન છો એવું સાબિત કરવા માટે તમારે તમારા જ ઘરમાં રિવાજોના નામે થતાં અન્યાય સામે અવાજ ઉઠાવવો પડે છે અને ગળું ખંખેરીને અવાજ ઉઠાવવો પડે છે.
મને એવું લાગે છે કે હજી પણ એક વર્ગ ૧૮મી સદીમાં જ જીવી રહ્યો છે. આપણે ત્યાં હજી પણ સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓ વડે રિવાજોની આપખુદશાહી ચાલતી રહે છે. રિવાજોને જાણ્યા વિના, સમજ્યા વિના, એનો અમલ કરતી પ્રજાતિઓ બેખૌફ જીવી રહી છે અને સંસ્કારોના નામે રિવાજોની પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે.
રિવાજોની ચક્તિ કરનાર અંધભકતો એવું માનતા રહે છે કે અપરીણિત કે ડિવોર્સી સ્ત્રીઓ કરતાં પરણેલી સ્ત્રીઓ પર ઈશ્વર વધારે મહેરબાન હોય છે. જેનો પતિ ગુજરી ગયો હોય એવી સ્ત્રીને બિચારી સમજી લગ્નની વિધિમાં જોજનો દૂર બેસાડનારી સ્ત્રીઓ સાત ચિરંજીવીની યાદીમાં એમના પતિનું પણ નામ લખાયું નથી એ વાત ભૂલી જતી હોય છે. રિવાજોના નામે આ પણ સ્ત્રી પર થતો એક પ્રકારનો અત્યાચાર જ છે.
આપણે ત્યાં એવા ઘણા રિવાજો છે જે સ્ત્રીઓને એકવીસમી સદીમાંથી છેક અઢારમી સદીમાં ધકેલી દે છે.
મને હંમેશા એક સવાલ એવો થાય કે સીમંત વખતે ગર્ભવતી સ્ત્રીનો ખોળો જેને સંતાન ના હોય એ સ્ત્રી કેમ ભરી ના શકે ? ખોળો ભરવા માટેની લાયકાત શું હોઈ શકે ? જેનો ખોળો ભરવાનો છે એ સ્ંત્રી માટેનો પ્રેમ, એ સ્ત્રી માટેની કાળજી, એ સ્ત્રી માટેના આશીર્વાદ ? કે માતૃત્વ પ્રાપ્ત કરી ચૂકયાનું સર્ટીફિકેટ ? અને ધારો કે સંતાન વિહોણી સ્ત્રી ખોળો ભરે તો શું થાય ? ગર્ભમાં ઉછરી રહેલું બાળક બહાર આવવાની ના પાડી દે ?
અઢારમી સદીનું ભારત વિધવાઓને અપશુકનિયાળ ગણતું. પતિના મૃત્યુ માટે પત્નીને જવાબદાર ઠેરવવામાં આવતી જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એવી સ્ત્રીને રંગોમાંથી બેદખલ કરી દેવાતી. સફેદ રંગની સાડી પહેરેલી એ સ્ત્રી પાસેથી હસવાનો અધિકાર પણ છીનવી લેવાતો. હજી પણ ઘણા લોકો આ માન્યતાઓની આંગળી ઝાલીને ચાલ્યા કરે છે.
જે પરિવારો શુભપ્રસંગોની વિધિથી વિધવાઓને દૂર રાખે છે એ પરિવારે કદાચ પ્રાથમિક શિક્ષણ નહીં લીધું હોય, એ પરિવાર રાજા રામમોહનરાયને ઓળખતો નહીં હોય અને એ પરિવારની બુદ્ધિ જાડી ચામડીની હશે એ નક્કી !
મદ્રાસમાં એક વિધવા અને એના દિકરાને મંદિરમાં જતા રોકવામાં આવ્યા. મદ્રાસ હાઈકોર્ટે એ વિધવાને મંદિરમાં જતા રોકનારાઓ સામે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે, સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય એટલા માત્રથી એને મંદિરમાં જતી કે શુભપ્રસંગોથી દૂર રાખી શકાય નહીં. સ્ત્રીની ઓળખ એના લગ્ન નથી, સ્ત્રીની ઓળખ એનું વ્યક્તિત્વ છે. સ્ત્રીને એના લગ્નની સ્થિતિ મૂલવવી એ એક અપરાધ છે.
આપણે સ્ત્રીને સ્ત્રી રહેવા દેતા નથી. એના જાત ભાતના પેટા પ્રકારો પાડી દઈએ છીએ. પરણેલી, ડિવોર્સી, વિધવા, કુંવારી…. જાતભાતના પેટા પ્રકારો વચ્ચે સ્ત્રી વહેંચાતી રહે છે. મારો સવાલ એ છે કે સ્ત્રી માત્ર સ્ત્રી જ ના રહી શકે ?
સ્ત્રીની પૂર્ણતા આવા પેટાપ્રકોપની મોહતાજ નથી. સ્ત્રીની પૂર્ણતા તો સમજ, સમજણ, પરિપકવતા, સંવેદનાથી આવતી હોય છે. સુરતના કતારગામમાં આવેલા આવેલા સોમનાથ-કામનાથ મહાદેવના મંદિરમાં એવી સ્ત્રીઓ પૂજારી તરીકે સેવા આપે છે. જેમના પતિને ગુજરી ગયાને વર્ષો વીતી ગયા છે અને બાય ધ વે, આ સ્ત્રીઓના પૂજા કર્યા બાદ હજી પણ ભગવાન મંદિરમાં જ બેઠા છે, ક્યાંથી ભાગી નથી ગયા !
તમે પણ તમારા પરિવારના શુભ પ્રસંગોની વિધિ તમારી વિધવા મા, કાકી-મામી-માસી, ફોઈ કે દાદી પાસે કરાવશો તો આભ નહીં તૂટે પડે ! તમે જો આવા કોઈ પ્રસંગે એમની સાથે અન્યાય કર્યો હોય તો આજે એમની માફી માંગી લેજો અધરવાઈઝ અપશુગન થઈ જશે !