સમાજ બાળ લગ્ન મુક્ત સમાજ થાય તો જ પ્રગતિ થાય: દેવુંસિંહ ચૌહાણ
નડિયાદ:-ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અને સમાજ કલ્યાણલક્ષી યોજનાઓ અન્વયે શેનવા-રાવત સમાજના આગેવાનો સાથે એક દિવસીય વર્કશોપનું આયોજન ખેડા જિલ્લા સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી સમાજના આગેવાનોને સંબોધતા સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, શેનવા સમાજના આગેવાનો અને યુવાનો એ તેમનો સમાજ બાળ લગ્ન મુકત સમાજ થાય તે માટે કટિબધ્ધ થવું પડશે, તો જ સમાજની પ્રગતિ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડામાં આ સમાજ સાથે સાથે અન્ય સમાજમાં પણ બાળલગ્નનું દુષણ હયાત છે તે ખરેખર ચિંતાનો વિષય છે. પૂ. મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે, કોઇપણ સમાજનું મુલ્યાંકન તે સમાજની બહેનો અને બાળકો ઉપર થી કરી શકાય છે. જો સમાજની બહેનો અને બાળકો કુપોષણથી પિડિત હશે તો તે સમાજનો આર્થિક અને સમાજીક વિષય શકય બનશે નહિ. |
આ સમાજના આગેવાનો એ આ દુષણની સાથે સાથે વ્યસનમુકત સમાજને પણ પ્રાધાન્ય આપવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું. સાંસદશ્રીએ ખેડા જિલ્લામાં સમાજના ઉંમરલાયક બાળકોના સમુહ લગ્નની જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી હતી. પુખ્તવયના બાળકોના લગ્ન થવાથી સમાજના યુગલો વચ્ચે વિચારભેદ પણ ઓછો થશે અને દાંપત્યજીવન સુખેથી ચાલશે.
પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્યશ્રી પુનમભાઇ પરમારે સમાજની મૂળભૂત સમસ્યાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. સમાજને બાળલગ્ન, વ્યસનમુકત, સમયની સાથે સુધારાઓ, અભ્યાસ અને કુરીવાજોથી મુકત થવાની શીખ આપી જણાવ્યું હતું કે, જો આપણે આની શરૂઆત નહિ કરીએ તો સમાજ હજુ પણ અતિપછાત રહેશે. આપણે આપણી ભાવી પેઢી માટે રહેણીકરણી સુધારી તેમ કુરીવાજો પ્રત્યેની માનસિકતા સુધારી મક્કમતાથી સમાજ માટે નિર્ણયો લેવા પડશે. સમુહ લગ્નોને પ્રાધાન્ય આપવા પણ તેઓએ જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી રાકેશભાઇ રાવએ જણાવ્યું હતું કે, સમાજનો વિકાસ ત્યારે જ શકય બને જયારે તે સમાજ કુરિવાજો, બાળલગ્નો, વ્યસનોને તિલાંજલી આપે. સરકાર કામ કરી રહી છે પણ સાથે સાથે સમાજે પણ તેનો સાથ આપવો પડશે તો જ વ્યસનો જડમૂળથી જશે.
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી આર.એલ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બાળલગ્ન એ સમગ્ર સમાજને તોડતી મોટી સમસ્યા છે. તેના કારણે બે કુટુંબ જ નહિ પરંતુ બે વ્યકિતની સમગ્ર જીંદગી બગડે છે. તેથી સમાજે તેમા રસ લઇ જયાં પણ આવી કામગીરી ચાલતી હોય તો તેને રોકવી જોઇએ.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શેનવા સમાજની સામાજિક પુસ્તિકાનું વિમોચન કરાયું ખેડા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ભરવાડે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સૌનું સ્વાગત કર્યું હતું. શેનવા સમાજના પ્રમુખશ્રી ગીરીશભાઇએ સમાજની જાગૃતિ અંગેની રૂપરેખા આપી હતી અને અમદાવાદથી બોરસદ વચ્ચેના ૬૬ પરગણા શેનવા સમાજની પ્રવર્ત્તિઓ, જરૂરીયાતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ખેડા જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના શ્રી મહેશ પટેલએ સૌનો આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં અંત્યોદય નિગમાના પુર્વ ડિરેકટરશ્રી ચંદનભાઇ રાણા, શેનવા સમાજના અગ્રણીઓ, સમાજના ભાઇઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.