Western Times News

Gujarati News

આપ અને ભાજપના મેડિકલ ક્લિનિક શરૂ જ ન થઈ શક્યા

અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાય તે પહેલા સામાન્ય રીતે દરેક પક્ષો સ્થાનિક સ્તરે મોટી મોટી જાહેરાત કરતા હોય છે. જેમ દરેક ચૂંટણીમાં થતું હોય છે તેમ એકવાર જાહેરાતથી જીતી જવાય પછી ભાગ્યે જ કોઈ સત્તાધારી પક્ષ પોતે કરેલી જાહેરાત અને લાભના વાયદાઓને પૂરી કરવાના રસ્તે આગળ વધતો હોય છે.

જાેકે આ વખતે સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને ભાજપના તો કઈંક અલગ જ રંગ જાેવા મળ્યા છે. જેમાં સ્થાનિક ચૂંટણી પહેલા જ તેમણે કરેલા વાયદાઓ અત્યારથી ભૂલી ગયા છે અને પ્રજાને ગોળી પાવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં મોટાપાયે ઉતરવા માટે રાજ્યના આપ એકમ દ્વારા દિલ્હીની જેમ અમદાવાદ જેવા મહાનગરમાં મોહલ્લા ક્લિનિક શરું કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેના એક જ સપ્તાહમાં ભાજપે પણ આવી જ દીનદયાળ ક્લિનિક શરું કરવા માટેની જાહેરાત કરી દીધી હતી. ત્યાં સુધી કે રાજ્ય સરકારમાંથી ફંડ માટે પણ ભાજપે જાહેરાત કરી દીધી હતી. જાેકે આ જાહેરાતના એક જ મહિનામાં બંને પક્ષો જાણે કે બધુ જ ભૂલી ગયા છે અને એ પણ ત્યારે જ્યારે હજુ ચૂંટણી થઈ પણ નથી.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં ગત મહિને મોહલ્લા ક્લિનિક લોન્ચ કરવાની જાહેરાત કરી હતી તેના બાદ ભાજપે પણ શહેરી વિસ્તારના ગરીબો માટે આવી જ એક યોજના આનનફાનનમાં આવીને લોન્ચ કરી હતી જેનું નામ દિનદયાળ ક્લિનિક રાખવામાં આવ્યું હતું. આપનો દાવો છે કે તેમણે શરું કરેલું ક્લિનિક ટ્રાયલ બેઝ પર છે. જ્યારે દીનદયાળ ક્લિનિકના તો હજુ કોઈ શરું થવાના એંધાણ નથી. જેના માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું કહેવું છે કે રાજ્ય સરકારે બજેટ ફાળવણી તો કરી દીધી છે પરંતુ કોરોના મહામારીના કારણે યોજના શરું કરવામાં મોડું થઈ રહ્યું છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે દીનદયાળ ક્લિનિક શરુ કરવાનો પ્રસ્તાવ હાલ અપ્રુવલ સ્ટેજ પર છે. મહત્વનું છે કે ડિસેમ્બરમાં નીતિનભાઈ પટેલે દાવો કર્યો હતો કે આરોગ્યની બાબતને ધ્યાને રાખીને ક્લિનિકને તાત્કાલિક શરું કરવામાં આવશે અને આ માટે એએમસીને જગ્યા નક્કી કરવા માટે પૂછવામાં આવશે. જ્યારે આપના રાજ્ય કક્ષાના મીડિયા કન્વીનર તુલી બેનર્જીએ કહ્યું કે મોહલ્લા ક્લિનિક્સ અમે થોડો સમય માટે ટ્રાયલ બેઝ પર શરું કરી દીધું હતું. આપના દાવામાં કહેવામાં આવ્યું છે કે નારણપુરા વિસ્તારની આસપાસ તેમણે ૧૦ જેટલા ક્લિનિક સેટ અપ કર્યા હતા. જાેકે અહીં એ નોંધવું રહ્યું કે હાલ તો લોકોને ન તો આપના મોહલ્લા ક્લિનિક કે ન તો ભાજપના દીનદયાળ ક્લિનિકની કોઈ સેવાનો લાભ મળી રહ્યો છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમ મુજબ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. આ વખતે રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.