આફ્રિકાથી મંગાવેલા ભંગારમાં પાકિસ્તાની સેનાના ર૦૦ ટન કારતૂસ મળી આવ્યા!!
(એજન્સી) અમદાવાદ, અમદાવાદની કંપનીએ આફ્રિકાથી મંગાવેલા દસ કન્ટેનર ભંગારનો જથ્થો મુંદ્રા સ્થિત અદાણી બંદરે ઉતાર્યા બાદ ભંગારના જથ્થામાં થી ર૦૦ ટન કારતૂસનો જથ્થો મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ચોકાવનારી બાબત એ છે કે આ કારતૂસ પાકિસ્તાની સેન્ય દ્વારા વાપરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સાંઈ બંધન ઇન્ફીનિયમ પ્રા.લી. નામની ખાનગી કંપનીએ ઓફ્રિકાથી દસ કન્ટેનર ભરેલ ભંગારનો જથ્થો મંગાવ્યો હતો. જે કન્ટેનર કચ્છના મુંદ્રા સ્થિત અદાણી બંદરે આવી પહોંચ્યો હતો. અને કસ્ટમ તંત્રની તપાસમાં આ ભંગારના જથ્થામાંથી કારતૂસનો જથ્થો મળ્યો હતો. ભંગારનો આ જથ્થો ર૦૦ ટન છે. ભંગારમાંથી જે કારતૂસનો ભંગાર મયો છે તે પાકિસ્તાની સેન્ય દ્વારા ઉપયોગમાં લેવાયો હોવાનું માલુમ પડ્યુ છે.
ભંગારનો જથ્થો આફ્રિકાથી આવ્યો છે તેમાં પાકિસ્તાની સેન્ય સામગ્રીનો જથ્થો ક્યાંથી આવ્યો?? તે મુદ્દે પણ તપાસ થઈ રહી છે. સંભવતઃ ભંગારનો મોટો જથ્થો કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીએ અલગ અલગ દેશમાંથી ખરીદ્યો હોય એ પૈકીનો અમુક જથ્થો અમદાવાદની આ પેઢીને મોકલવામાં આવ્યો હોય એવી સંભાવનાઓ વધુ છે.
બીજી તરફ પાકિસ્તાનથી ભારતમાં આવતા ભંગાર ઉપર ર૦૦ ટકા ડ્યુટી વસુલવાની થતી હોવાથી ઓછી ડ્યુટી ભરવી પડે તેવા હેતુથી પાકિસ્તાનનો આ ભંગાર વાયા આફ્રિકાથી મુંદ્રા બંદરે લવાયો હોવાની પણ સંભાવનાઓ છે.