આફ્રિકામાં ખોદકામ દરમ્યાન દુનિયાનો ત્રીજાે સૌથી મોટો હીરો મળ્યો
નવીદિલ્હી: આફ્રિકાની ભૂમિ પોતાની અંદર ઘણા અમૂલ્ય ખજાના ધરાવે છે. હવે આફ્રિકાના દેશ બોત્સવાનામાં પણ આવો જ એક ખજાનો મળી આવ્યો છે. બોત્સવાનામાં વિશ્વનો ત્રીજાે સૌથી મોટો હીરો ખોદકામ દરમ્યાન મળી આવ્યો છે. આ હીરાની શોધ કરનારી કંપની દેબસ્વાનાએ જણાવ્યું છે કે, આ આકર્ષક ડાયમંડ ૧,૦૯૮ કેરેટનો છે. જૂન ૧, નાં રોજ આ હીરો દેશનાં રાષ્ટ્રપતિ મોકગ્વેત્સી મસીસીને બતાવવામાં આવ્યો હતો.
દેબસ્વાના મેનેજિંગ ડિરેક્ટર લિનેટ આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, વિશ્વની ગુણવત્તા પ્રમાણે તે ત્રીજાે સૌથી મોટો હીરો માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વિશાળ હીરો આપણા સંઘર્ષશીલ દેશમાં આશાની એક નવી કિરણ લઈને આવ્યો છે. આ હીરાને હજી સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી. દેબસ્વાના કંપનીએ જણાવ્યું કે, આ ડાયમંડ ૭૩
મીમી લાંબો અને ૫૨ મીમી પહોળો છે.
તેમણે કહ્યું કે આપણા ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે. દેબસ્વાના કંપનીને બોત્સવાના સરકાર અને વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપની ડી બીયર્સ દ્વારા સંયુક્ત રીતે બનાવી છે. આ પહેલા વર્ષ ૧૯૦૫ માં, વિશ્વનો સૌથી મોટો હીરો દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો હતો. તે લગભગ ૩,૧૦૬ કેરેટ હતો. વિશ્વનો બીજાે સૌથી મોટો હીરો, ટેનિસ બોલનાં કદ બરોબર હતો અને વર્ષ ૨૦૧૫ માં ઉત્તર પૂર્વીય બોત્સવાનામાં મળી આવ્યો હતો.
આ હીરો ૧૧૦૯ કેરેટનો હતો અને તેનું નામ લેસેડી લા રોના રાખવામાં આવ્યું હતું. બોત્સવાના આફ્રિકામાં ટોચનો હીરો બનાવનાર દેશ છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે આ હીરાની શોધ થતાં બોત્સવાના સરકારને મોટી રાહત મળી છે. દેબસ્વાના કંપની હીરાની આવકનો ૮૦ ટકા હિસ્સો સરકારને વેચે છે. કોરોના વાયરસ સંકટને કારણે હીરાનાં વેચાણમાં ભારે ઘટાડો થયો છે. તેનાથી દેશની આવક ઓછી થઈ છે.