આફ્રિકામાં જોવા મળતી મંકી પોકસની બિમારી હવે વિશ્વમાં ફેલાઇ રહી છે
નવીદિલ્હી, બ્રિટન પછી મંકી પોકસ વાયરસ હવે અમેરિકામાં ફેલાઇ રહયો છે. કેનેડાથી મેસેચ્યુસેટસથી આવેલી એક વ્યકિતમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ થઇ છે. આ વર્ષ અમેરિકામાં આ મંકી પોકસનો પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોમાં બ્રિટન, સ્પેન, પોર્ટુગલ અને કેનેડામાં પણ આ દુર્લભ બીમારીના ડઝનેક કેસ સામે આવી ચૂકયા છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ ચેપ મંકીપોકસ નામના વાયરસથી થાય છે. આ વાયરસ ઓર્થોપોકસ વાયરસ જૂથનો છે. આ જૂથના અન્ય સભ્યો માનવોમાં શીતળા અને કાઉપોકસ જેવા ચેપનું કારણ બને છે. ડબલ્યુએચઓ અનુસાર, એક વ્યકિતથી બીજી વ્યકિતમાં મંકીપોકસના ચેપના બહુ ઓછા કેસ છે.
ચેપગ્રસ્ત વ્યકિતની છીંક અને ઉધરસમાંથી નીકળતા ટીપાં, ચેપગ્રસ્ત વ્યકિતની ચામડીના ચાંદા અથવા ચેપગ્રસ્ત વ્યકિતના નજીકના સંપર્કને કારણે અન્ય લોકોમાં ચેપ ફેલાવવાની સંભાવના છે.
સૌપ્રથમવાર ૧૯૭૦માં વાંદરામાં જાેવા મળ્યો હતો, એ પછી એ ૧૦ આફ્રિકન દેશોમાં ફેલાઇ ગયો હતો. ૨૦૦૩માં પહેલી વખત અમેરિકામાં એનો કેસ સામે આવ્યો હતો. ૨૦૧૭માં નાઇજીરિયામાં મંકી પોકસનો સૌથી મોટો પ્રકોપ જાેવા મળ્યો હતો, એના ૭૫ ટકા દર્દીઓ પુરુષો હતા.
બ્રિટનમાં એનો કેસ પહેલી વખત ૨૦૧૮માં સામે આવ્યો હતો. નિષ્ણાતોના અનુસાર, આ બીમારી દુર્લભ જરુર છે, પરંતુ ગંભીર પણ સાબિત થઇ શકે છે. અત્યારે મંકી પોકસ મોટા ભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોના કેટલાક વિસ્તારોમાં જાેવા મળે છે. ૬ મેના રોજ બ્રિટનમાં મળી આવેલો પહેલો દર્દી નાઇજીરિયાથી પરત ફર્યો હતો.HS1