આમિરની ફિલ્મમાં શાહરૂખ સલમાન કામ કરે તેવી ચર્ચા
મુંબઈ: ૧૯૯૩માં આશુતોષ ગોવારીકર બે ખાન- શાહરૂખ અને આમિરને તેમની ડિરેક્ટર તરીકેની ડેબ્યૂ ફિલ્મ પહેલા નશામાં સાથે લાવવામાં સફળ રહ્યા હતા. આમિર ખાન અને શાહરૂખ ખાને આ ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો. આજ સુધી આ જ એકમાત્ર ફિલ્મ છે જેમાં આમિર ખાન અને શાહરૂખ ખાન સ્ક્રીન શેર કરી છે. આમિર ખાન અને શાહરૂખ ખાન મન્સૂર ખાનની જોશ અને રાકેશ ઓમપ્રકાશ મહેરાની રંગ દે બસંતીમાં સાથે કામ કરવાના હતા પરંતુ અંતે આ શક્ય બન્યું નહોતું.
હવે ૨૭ વર્ષ બાદ શાહરૂખ ખાને આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે કેમિયો શૂટ કર્યો છે. ગયા મહિને યુએઈ જતાં પહેલા શાહરૂખ ખાને દિલ્હી જઈને આ કેમિયો રોલનું શૂટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે, અદ્વૈત ચંદનના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ હોલિવુડ એક્ટર ટોમ હેન્ક્સની ક્લાસિક મૂવી ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક છે. જેમાં લીડ એક્ટરના જીવનના પાંચ દાયકાની જર્ની બતાવાઈ છે.
લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાનનો ટ્રેક ૯૦ના દાયકા આધારિત હશે. આ ફિલ્મ માટે શાહરૂખ ખાન દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના રાજ મલ્હોત્રાનું યાદગાર પાત્ર ભજવશે. દરેક દશકની ઐતિહાસિક ક્ષણોથી સ્ક્રીનપ્લે ગૂંથવામાં આવ્યો છે અને આપણે ફિલ્મી હીરોને ખૂબ પ્રેમ કરીએ છીએ
ત્યારે ચઢ્ઢાની જર્ની ચોક્કસ ટોપ સ્ટાર્સ વિના અધૂરી રહેશે. માટે જ, પોતાને શોધવાની આ સફરમાં ડીડીએલજેની રિલીઝની આસપાસ આમિર ખાન ફિલ્મના સેટ પર પહોંચે છે અને શાહરૂખ ખાન સાથે મુલાકાત થાય છે. તેની સાથે પોતાના અંગત અનુભવો વહેંચે છે. સૂત્રનું માનીએ તો, આમિર અને શાહરૂખ વચ્ચેનો આ સંવાદ હાસ્યની ઘણી ક્ષણો લાવશે. શાહરૂખનું રાજનું પાત્ર ૧૯૯૪ની મૂળ ફિલ્મના ડિક કેવેટના કેમિયો રોલનું અપગ્રેડેડ વર્ઝન હશે.