આમિર ફડણવીસને બદલે ચૌહાણના બંગલે પહોંચી ગયો
મુંબઈ: બોલિવૂડ સ્ટાર આમિર ખાન આમ તો મિસ્ટર પર્ફેક્શનિસ્ટ કહેવાય છે. આમિર ખાન જે પણ પ્રોજેક્ટ હાથમાં લે છે તેના કામમાં કોઈ જ કસર બાકી રાખતો નથી. જોકે હાલમાં જ ગજની સ્ટાર સાથે એવી ઘટના બની હતી. જેના કારણે ફેન્સ ખુશખુશાલ થઈ ગયા હતાં. ફેન્સને આશા જ નહોતી કે તેમની વચ્ચે બોલિવૂડનો મિસ્ટર પર્ફેક્શનિસ્ટ બેઠો છે. હકીકતમાં આમિર ખાન મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત માટે ગયો હતો
પરંતુ તે ભૂલથી ખોટા સરનામે એટલે કે અશોક ચૌહાણના બંગલે પહોંચી ગયો હતો. આ જોઈ સ્ટાફને પણ આશ્ચર્ય થયું હતું. મુંબઈમાં પબ્લિક વર્ક્સ મિનિસ્ટર અશોક ચૌહાણનો સ્ટાફ તે સમયે સુખદ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો જ્યારે તેમને જાણ થઈ કે આમિર ખાન તેમના (અશોક ચૌહાણ)ના મલાબાર હિલ વિસ્તારમાં સ્થિત મેઘદૂત બંગલે આવ્યા છે.
સુપરસ્ટારને સોફા પર બેસેલા જોઈને અભિજીત દેશમુખે તેમને ચા ઓફર કરી હતી. હકીકતમાં આમિર ખાન દેવેન્દ્ર ફડણવિસને મળવા આવ્યો હતો પરંતુ ભૂલથી તે પાડોશમાં રહેલા અશોક ચૌહાણના સરનામે આવી ચડ્યો હતો.
જોકે, ત્યારબાદ ચૌહાણના સ્ટાફ મેમ્બર્સ તેમને દેવેન્દ્ર ફડણવિસના બંગલે લઈ ગયા હતાં. એ તો જાણવા નથી મળ્યું કે દેવેન્દ્ર ફડણવિસ અને આમિર ખાનની મુલાકાત થઈ હતી કે નહીં પરંતુ સ્ટાફ માટે જરુર આ સુખદ સરપ્રાઈઝ રહ્યું હતું. મંત્રાલય પણ મલાબાર હિલ સ્થિત હોવાના કારણે મુલાકાતીઓને અવારનવાર કન્ફ્યુઝન સર્જાતું હોય છે અને ખોટા સરનામે પહોંચી જાય છે.