આમોદના પ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત બાબતે નિયામકના મનાઈ હુકમ ઉપર હાઈકોર્ટેનો સ્ટે

આમોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત બાબતે સુરત પ્રાદેશિક નિયામકના મનાઈ હુકમ ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.જેમાં હાઈકોર્ટે સુરતના પ્રાદેશિક નિયામકના મનાઈ હુકમ ઉપર સ્ટે આપ્યો હતો.
આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ તથા અન્ય સદસ્યોએ ગત ૯ મી ફેબ્રુઆરીના રોજ અવિશ્વાસની દરખાસ્ત માટે નોટીસ મોકલી હતી.
જે બાબતે આમોદ પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલે તા.૩ માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવી હતી.જેમાં અપક્ષના ૧૦ અને ભાજપના ૭ સદસ્યોએ પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની અવિશ્વાસની તરફેણમાં આંગળી ઉંચી કરી
તેમજ ઉભા થઈને મત આપતા ૧૭ સદસ્યોની બહુમતી સાથે પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ હતી.જેથી ભાજપની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.ત્યાર બાદ ભરૂચ જિલ્લા ભાજપ સહિતની ટીમે સાત ભાજપના સદસ્યોને મનાવવા ધમપછાડા શરૂ કર્યા હતાં.
જેમાં બે મહિલા સદસ્યોએ નામે બાનુંબેન છત્રસંગ ચૌહાણ તથા ગીતાબેન ગીરીશભાઈ પટેલે પોતે ભૂલથી અને અજ્ઞાનતામાં પ્રમુખ ઉપપ્રમુખની વિરોધમાં મતદાન કર્યુ હોવાનું નોટરી સમક્ષ સોગંદનામું કર્યું હતું.જ્યારે ભાજપના બીજા પાંચ સદસ્યો પોતાના ર્નિણય ઉપર અડગ રહ્યા હતા.
ત્યારે આમોદ પાલિકાના ભાજપના સદસ્ય અક્ષરભાઈ નરસિંહભાઈ પટેલ તેમજ નોટરી સમક્ષ ભૂલથી અને અજ્ઞાનતામાં અવિશ્વાસની તરફેણમાં મત આપનાર બાનુબેન છત્રસંગ ચૌહાણ તથા ગીતાબેન ગીરીશભાઈ પટેલના સોગંદનામાં સાથે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ ૨૫૮(૧) હેઠળ પગલાં લેવા સુરતના પ્રાદેશિક નિયામક સમક્ષ અરજી દાખલ કરતાં નિયામકે પ્રમુખ ઉપપ્રમુખની થયેલી ચૂંટણી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
ત્યારે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ ૨૫૮ (૧) હેઠળનો અયોગ્ય હુકમ સંપૂર્ણપણે અધિકારક્ષેત્ર વિનાનો છે.અવિશ્વાસની દરખાસ્ત કે જે પસાર કરવામાં આવે છે તેને ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ ૨૫૮ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને ચકાસણી હેઠળ લાવી શકાય નહીં.જે બાબતે ગુજરાત હાઈકોર્ટે સુરતના પ્રાદેશિક નિયામકના મનાઈ હુકમ ઉપર સ્ટે આપી દીધો હતો.