આમોદમાં અજમેર ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, મળતી માહીતી મુજબ ગતરાત્રી દરમ્યાન આમોદ નગરમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ પાસે રહેતું મુસ્લિમ પરિવાર મકાનને તાળું મારી અજમેર શરીફ ગયું હતું. ત્યારે રાત્રી દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા.ભરચક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાને પગલે આમોદમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા હતા.
આમોદની ચામડિયા હાઈસ્કૂલ નજીકના વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર પોતાના મકાનને તાળુ મારી અજમેર શરીફ ગયું હતું. જેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી થઈ હોવાની વાત મકાન માલિકને થતા તેઓને ધ્રાસકો પડ્યો હતો.બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને પાર પાડી હોવાની વાત પંથકમાં વાયુ વેગે નગરમાં પ્રસરી જતાં લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
આમોદ નગરના ભરચક વિસ્તારમાં ચોરીની ઘટના બનતાં સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.પરિવાર અજમેર હોવાથી કેટલાની ચોરી થઈ છે તેની હજુ સુધી જાણકારી મળી નથી.આમોદ નગરમાં તસ્કરોના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ પોલીસનો સંપર્ક કરતા ચોરીની ઘટનાને લઈ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.