આમોદમાં ધોળા દિવસે અછોડા તોડ ટોળકી ત્રાટકી
ઘરમાં પિત્તળના વાસણો ચમકાવવાને બહાને મહિલાના ગળામાંથી સોનાંની ચેન તોડી પલાયન. |
ભરૂચ: આમોદમાં આજ રોજ બપોરના સમયે અજાણ્યા તસ્કરોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા. મહિલાની ફરિયાદને આધારે આમોદ પોલીસે તપાસ હાથધરી હતી.
આમોદમાં ગુનેખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધતો જાય છે અને આમોદ પોલીસ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય તેમ લાગી રહ્યુ છે.આમોદના જનતા ચોક વિસ્તાર નજીક જૈન દહેરાસર પાસે રહેતા મંજુલાબેન ધરમચંદ શાહ પોતાના ઘરે હતા ત્યારે પિત્તળના વાસણ ચમકાવવા માટે ત્રણ યુવાનો આવ્યા હતા અને તેમને વાસણ ચમકાવી આપીશું કહી તેમના હાથમાં સફેદ પાઉડર જેવું લગાડી તેમના ગળા માંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા.
આમોદ પોલીસે બજારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના મુખ્ય વિસ્તારો માં સીસીટીવી કેમેરા લગાવવા માટે આમોદ વેપારીઓએ અગાઉ મામલતદાર તેમજ આમોદ પાલીકા અને આમોદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી.
છતાં આમોદમાં સરકાર દ્વારા કોઈ સીસીટીવી કેમેરા ના લગાવતા ચોરો અને અછોડા તોડ ટોળકીને જાણે મોકળું મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યું છે.આમોદમાં ચોરીના બનાવો પણ વધી રહ્યા છે.તેમજ ધોળા દિવસે અછોડા તોડવાના બનાવો પણ વધતા હોય આમોદ નગરની સામાન્ય પ્રજા ભયભીત બની છે. ત્યારે શું આમોદ પોલીસ આવા અછોડા તોડ ટોળકીને ઝડપી આમોદ નગરજનોને ભયમુક્ત કરશે કે કેમ તે જોવુ રહ્યુ.