આમોદમાં નેશનલ હાઈવેના ડિવાઈડર ઉપર ૨૪ કલાકમાં ત્રણ અકસ્માતના બનાવો
બે કાર ચાલકો તેમજ એક ટેમ્પો ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત.: નેશનલ હાઈવેના રોડ સેફટીના ધારાધોરણોનો કોન્ટ્રાક્ટર દ્વારા ભંગ કરતા અકસ્માતના બનાવોની વણઝાર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર રોડ સેફટીના ધારાધોરણોનો હાઈવે ઓથોરીટીએ ભંગ કરતા આમોદ ચાર રસ્તા ઉપર વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા નકશા વિરૂદ્ધ કામ કરીને હાઈવેનો રોડ સાંકડો બનાવી દેતા નિર્દોષ વાહનચાલકો વારંવાર કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અને વાહનચાલકોને નુકશાન વેઠવું પડે છે.આમોદમાં ચોવીસ કલાકમાં અકસ્માતના ત્રણ હાઈવે ઓથોરિટીના ડિવાઈડર ઉપર ત્રણ વાહનો ચઢી જતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે ભરૂચ હાઈવે ઓથોરિટી દ્વારા ૧૩ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ધારાધોરણ મુજબ રોડની સાઈડમાં રીફલેક્ટર લાઈટ તેમજ સાઈન બોર્ડ વગેરે માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. છતાં કોન્ટ્રાક્ટરે સાઈન બોર્ડ કે રીફલેક્ટર લાઈટ ના બેસાડી લાખો રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેને કારણે અને નકશા વિરૂદ્ધ બનેલા સાંકડા રોડને કારણે આમોદ પાસે ડિવાઈડર ઉપર વાહનો ચઢી જવાના બનાવો બનતા રહે છે.
ગઈ કાલ રાત્રે બે કાર ચાલક પણ ડિવાઈડર ઉપર ચઢી ગયા હતા. જયારે રાત્રે એક મોરબીથી સુરત પ્લાસ્ટિક ભરીને જતો ટેમ્પો પણ ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો.સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આમોદ નગર પાલિકાના માજી પ્રમુખ દ્વારા આમોદ-જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને કરતા ધારાસભ્યએ આ માર્ગમાં ભ્રષ્ટાચાર ચોક્કસ થયો હોવાનું જણાવી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.
સાથે વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતના સ્થળ ઉપર પોતાની ગાડી થંભાવી નગર પાલિકા માજી પ્રમુખ સાથે ચર્ચા કરી હતી જેથી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પણ આ બનાવેલ ડીવાઈડર તોડવા માટે તેમજ માર્ગ ઉપર રીફલેક્ટર લાઈટો તેમજ સાઈન બોર્ડ લગાવવા માટે ઊચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર નિર્દોષ વાહનચાલકો ભટકાતા હોવાના બનાવો બનતા રહે છે તેમજ વાહનચાલકોને તેમજ માલિકોને પારાવાર નુકશાન વેઠવું પડે છે.
જો કોઈ મોટો અકસ્માત થાય તો કોણ જવાબદાર તેવો પ્રશ્ન આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યો છે.ત્યારે હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરે પણ નકશા વિરૂદ્ધ કામ કરીને રોડ સાંકડો બનાવી રોડની આજુબાજુના શોપિંગ માલિકોને સગવડ કરી આપી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે તેમજ રોડની બાજુમાં આવેલ દુકાન ધારકો પણ પોતાની દુકાનથી બે ત્રણ ફૂટ દબાણ કરતા હોય રોડ વધુ સાંકડો બનતા હાઇવે ઉપર અકસ્માતો વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વારંવાર બનતા અકસ્માતના બનાવો છતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બહેરા,મૂંગા અને ગુંગા બની નિર્દોષ વાહનચાલકોનના અકસ્માતનો તમાશો જોઈ બોખલાઈ રહ્યા છે અને કોન્ટ્રાકટરને છાવરી રહ્યા છે.હાઈવે ઉપર વારંવાર સર્જાતા અકસ્માતોથી આમોદ પોલીસ માટે ટ્રાફિક જામના દ્રશ્યો માથાના દુઃખાવા સમાન બની ગયા હોય આમોદ પોલીસે પણ હાઈવે ઓથોરિટી સામે કાર્યવાહી કરવા હૈયાધારણા આપી હતી.