આમોદમાં પોલીસની નાઈટ ડ્યુટીના ધજાગરા ઉડાડતા તસ્કરો : પાંચ ચોર સીસીટીવીમાં કેદ
ગાંધીચોક માં દિગંબર જૈન મંદિરમાં અજાણ્યા ચોરોનો હાથફેરો. |
ભરૂચ: આમોદ નગરમાં આવેલા ગાંધીચોક વિસ્તારમાં અજાણ્યા ચોરોએ એક દિગંબર જૈન મંદિરને નિશાન બનાવી ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલા ચાંદીના છત્ર તેમજ કોમ્પ્યુટરનું સીપીયુ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ચલાવી રહ્યાં છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદના ગાંધીચોક વિસ્તારમાં આવેલા શ્રી સંઘ નરસિંહપુરા દિગમ્બર જૈન મંદિરના પૂજારી હિમાંશુકુમાર ચંદ્રવદન શાહ મંદિરમાં પુંજા કરે છે જેઓ સવારે નિત્યક્રમ મુજબ મંદિરે આવ્યા ત્યારે તેમણે મંદિરના આગળના દરવાજા ઉપર તાળું મારેલું જોયું હતું પરંતુ મંદિરનો ઉપરના દરવાજો તેમજ નીચે જવાના દરવાજા ખુલ્લા જોયા હતા.જેથી તેમણે ફળિયામાં રહેતા હરેશભાઈ શાહ,દેવેન્દ્રભાઈ શાહ તેમજ જયકરભાઈ શાહ ને જાણ કરી હતી અને મંદિરમાં જઈને જોતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.ત્યારે મંદિરના પૂંજારીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી કે અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી સુમતીનાથ ભગવાનની મૂર્તિ ઉપર લટકાવેલા ચાંદીના મોટા તેમજ નાના છત્ર નંગ ૬ જેની (આશરે પાંચ કિલો ચાંદી) જેની કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ તેમજ હોલની પાસે આવેલ કાર્યાલયનું તાળું તોડી તેમાંથી એક નંગ સીપીયુ જેની કિંમત રૂપિયા ૫૦૦૦ કુલ મળી ૧,૮૦,૦૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા ચોરોને જબ્બે કરવાની કવાયત હાથધરી છે.
અજાણ્યા તસ્કરો પૈકી એક ચોર મંદિર નજીક આવેલા નાના તળાવના પાછળના ભાગેથી મંદિરના હોલ તરફથી અંદર મંદિરમાં પ્રવેશ્યો હતો.મંદિરની નજીકમાં રહેતા સંજયભાઈ બાલુભાઈ પટેલના વાડામાં પ્રવેશ કરી તેમના મકાન પાછળ રહેલું ટેબલ લઈ ચોર આરામથી હોલની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા.તેમજ હોલનો અંદરનો દરવાજો ખોલીને બીજા ચોર પણ અંદર પ્રવેશ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અજાણ્યા ચોરોને મંદિરમાં સીસીટીવી હોવાનો ખ્યાલ આવી જતા તેમણે મંદિરના કાર્યાલયનું તાળું તોડી અંદરથી સીપીયુ પણ ઉઠાવી ગયા હતા. પરંતુ તેમની ચોરી અંગેની સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ ડી.વી.આર માં રેકોર્ડ થઈ જતા અજાણ્યા પાંચ તસ્કરો ચોરી કરતા કેમેરાની નજરે પડ્યા હતા.જે એક થી પોણો કલાક સુધી મંદિરમાં ચોરી કરી રહ્યા હતા.ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે.જેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર સી એસ રાઠોડ ચલાવી રહ્યા છે.
શ્રી સંઘ નરસિંહપુરા દિગમ્બર જૈન મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં વડોદરા ખાતે રહેતા મંદિરના પ્રમુખ યશવંતભાઈ સી શાહ તેમજ મંત્રી જીતેન્દ્રભાઈ પી શાહ પણ આમોદ ખાતે વહેલી સવારે દોડી આવ્યા હતા.
આમોદમાં હજી થોડા દિવસ પહેલા જ ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ જનતાચોક પાસે આવેલા જૈન મંદિર પાસે રહેતા મંજુલાબેન શાહના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી ગયા હતા ત્યાંજ આજે જૈન મંદિરના તાળા તૂટતાં આમોદ નગરજનો ભયભીત બન્યા છે.આમોદમાં પોલીસની નાઈટ ડ્યુટી હોવા છતાં અજાણ્યા તસ્કરોએ એક જૈન મંદિરને નિશાન બનાવી પોલીસની નાઈટ ડ્યુટીના ધજાગરા કર્યા હતા.