આમોદમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ) ભરૂચ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતા તરફથી આજ રોજ સરકારી તાલુકા પુસ્તકાલય આમોદ ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેનું વડોદરા વિભાગના મદદનીશ નિયામક ગ્રંથપાલ જે.કે.ચૌધરી દ્વારા રીબીન કાપી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.જેમાં ચામડિયા શાળાના બાળકો,શિક્ષકો તથા નગરજનોએ મોટી સંખ્યામાં પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો હતો.તેમજ શાળાના બાળકો તથા વાંચકોને મદદનીશ નિયામક ગ્રંથપાલ દ્વારા સરકારી પુસ્તકાલય વિશે પ્રાથમિક માહિતી આપી પુસ્તકાલયના સભ્ય બનવા માટે અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત પુસ્તકાલયમાં વિવિધ વિષયના પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પુસ્તકો વિશે માહિતી આપી વાંચકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ પુસ્તકાલયમાં આવી તૈયારી કરે તેમ જણાવ્યું હતું.
શાળાના બાળકો તથા નગરજનો પુસ્તક પ્રદર્શન નિહાળી અભિભૂત થયાં હતાં.અને પોતાની વાંચન ભૂખ સંતોષવા માટે પુસ્તકાલય શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે મધ્યવર્તી પુસ્તકાલય વડોદરાથી ભાવેશ ધોન્ડે તેમજ આર.સી.ભગવતે,ભરૂચ જિલ્લા સરકારી પુસ્તકાલયના એન.જે.ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.સરકારી તાલુકા પુસ્તકાલય આમોદના મદદનીશ ગ્રંથપાલ કે.પી.પરમારે પુસ્તક પ્રદર્શન નિહાળવા માટે આવેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.*