આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા આમોદ પુરવઠા મામલતદારે તપાસ હાથ ધરી
સરકાર ગરીબોને મફત અનાજ આપવા કટિબધ્ધ પણ ભ્રષ્ટાચારીઓ ગરીબોનું અનાજ સગેવગે કરવા તત્પર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરમાં ભ્રષ્ટાચારીઓએ જાણે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે.આમોદ વહીવટી તંત્રના છુપા આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓને જાણે ઘી કેળા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.આમોદમાં આજ રોજ સસ્તા અનાજની દુકાન ઉપરથી ગરીબોને મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપી દુકાન સંચાલકો ગરીબ,અભણ અને લાચાર લોકોનું અનાજ ઓહીયા કરી જતા હોવાનું ધ્યાને આવતા આમોદ પુરવઠા મામલતદારે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
કોરોના મહામારીને કારણે લોકડાઉન થતા લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા હતા તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી ત્યારે ગુજરાત અને કેન્દ્રની સંવેદનશીલ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આમોદ વહીવટી તંત્રના છુપા આશીર્વાદથી આમોદના દુકાન સંચાલકો જાણે ફાટીને ધુમાડે ગયા હોય તેમ રેશનકાર્ડ ધારકો સાથે તોછડી ભાષામાં વાત કરી અભણ અને ગરીબ લોકો ઉપર રોફ જમાવી મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપી ગરીબોનું અનાજ સગેવગે કરી રહ્યા છે.
ત્યારે આજ રોજ આમોદના લખીબેન શિવાભાઈ રાઠોડ જે બીપીએલ કાર્ડ ધારક હોય તેમને ૩૫ કીલો ઘઉં,૧૫ કીલો ચોખા,૧.૭૫૦ કી.ગ્રા.ખાંડ તેમજ ૨ કીલો ચણા મળવાપાત્ર અનાજ હતું તેની જગ્યાએ આમોદના દુકાન સંચાલક કોકિલાબેન વિનોદભાઈ પટેલે તેમને માત્ર ૧૫ કીલો ઘઉં,૮ કીલો ચોખા,૧ કીલો ખાંડ તેમજ ૧ કીલો ચણા આપી બાકીનું અનાજ સગેવગે કરી દીધું હતું જે બાબતની જાણ આમોદના જાગૃત નાગરિકોને થતા તેમણે તુરંત દુકાન ઉપર પહોંચી ઓન કેમેરામાં વજન કાંટા ઉપર અનાજ તોલી ઓછું અનાજ લાગતા આમોદ મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યાર બાદ આમોદના પુરવઠા મામલતદાર કિંજલબેન પરમાર તેમની ટીમ સાથે દુકાન ઉપર પહોંચી કાર્ડધારક લખીબેન શિવાભાઈ રાઠોડને મળવાપાત્ર કરતા ઓછું અનાજ અપાયું હોવાની ખરાઈ કરી હતી.અને પંચકયાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત આમોદ પુરવઠા મામલતદારે અનાજનો હાજર જથ્થો,વેંચાણ જથ્થો વિગેરેની ગણતરી કરવાની કામગીરી પણ હાથ ધરી હતી.