આમોદમાં સ્ટેટ હાઈવેની બાજુમાં બનેલા સર્વિસ રોડના પણ ખસ્તા હાલત
ભારદારી વાહનોની અવરજવરથી ગટરો પણ તૂટી : સર્વિસ રોડ ઉપર ભંગારનો સામાન મુકતા વાહનચાલકો અટવાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદમાં મલ્લા તળાવથી બત્રીસીના નાળા સુધી તેર કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો.જે ચોમાસામાં પડેલા અવિરત વરસાદને કારણે દોઢ વર્ષમાં જ તૂટી બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા તેમજ મસમોટા ખાડાથી કાર તેમજ બાઈક જેવા નાના વાહનો ક્યાંથી પસાર કરવા તે વાહન ચાલકો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો.
આમોદમાં મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી ૧૩ કરોડના ખર્ચે બનેલો રોડ માત્ર દોઢ વર્ષમાં જ તૂટી જતા રોડ બનાવમાં મોટાપાયે ખાયકી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જે રોડ ઉપર ત્રણથી પાંચ ફૂટ ઊંડા તેમજ પહોળા ખાડા પડી જતા વાહનચાલકો માટે આમોદ સ્ટેટ હાઈવે માથાનો દુખાવો બન્યો હતો.જેથી સ્ટેટ હાઈવે ઉપર મસમોટા ખાડા પડેલા હોવાને કારણે વાહન ચાલકો બાજુમાં આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કર્યો હતો.જે રોડ ઉપર પણ વાહનો ફસાતા લોકો હેરાન પરેશાન બન્યા હતા.
તેમજ સર્વિસ રોડ ઉપર આવેલી ગટર પણ બેસી જતા ભારદારી વાહનો માટે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મસમોટા ખાડામાં એસ ટી બસ પણ માંડ માંડ બચી હતી જેથી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.સ્ટેટ હાઈવેની બાજુમાં બનેલા સર્વિસ રોડ ઉપર પણ લોકોએ ભંગારનો સામાન મૂકી દેતા વાહનચાલકો અટવાયા હતા.