આમોદ – આછોદ રોડ બિસ્માર બનતા રીક્ષા ચાલકોનું મામલતદારને આવેદનપત્ર આપી રોડ બનાવવા માંગ
રોડ રીપેર નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ થી આછોદ રોડ બિસ્માર થઈ જતા રીક્ષા ચાલકોએ આમોદ મામલતદાર કચેરીએ રીક્ષા સાથે આવી આમોદ નાયબ મામલતદારને રોડ રીપેર કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને જો ૧૦ દિવસમાં રોડ રીપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ રીક્ષા ચાલકોએ ઉચ્ચારી હતી.
આમોદ થી આછોદ રોડ દહેજ ઔધોગિક એકમોને જોડતો રોડ છે.જે આમોદ થી પાંચ કિલોમીટર આવેલો છે.જ્યાં દરરોજ હજારો ઓવરલોડ વાહનોની આવન જાવન રહે છે.તે રોડ ઉપર અસંખ્ય નાના મોટા ખાડા પડી ગયા છે.જેથી રીક્ષા ચાલકોને ખાડાઓને કારણે પરેશાની ભોગવવી પડે છે. તેમજ મોટા ખાડાઓને કારણે રિક્ષાઓમાં મેન્ટેનન્સ ખર્ચ પણ વધી જાય છે.
આ ઉપરાંત આછોદ ગામ પાસે આવેલા રોડ ઉપર મસમોટા ખાડા પડી જતા પુલને પણ નુકશાન થવાની સંભાવના હોવાથી વહેલી તકે તંત્ર દ્વારા ખાડાઓ પુરવા માટે આજ રોજ આમોદ નાયબ મામલતદારને રીક્ષા ચાલકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદનપત્ર આપ્યું હતું અને જો ૧૦ દિવસમાં રોડ ઉપરના ખાડાઓ નહીં પુરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.