આમોદ તાલુકાના આછોદ ગામે મહિલાના ગળા માંથી સોનાની ચેઇન તોડી નાસતા ત્રણ અછોડા તોડ ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના આછોદ ગામે ગતરોજ વાસણ ચમકાવવાના બહાને આવેલા ત્રણ પરપ્રાંતીય અછોડા તોડ યુવકો ઝડપાયા હતા. આમોદ પોલીસે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા મહેઝબીન તૌસિફ યાકુબ ભુદરા પોતાના ઘરે હતા ત્યારે ગામમાં ત્રણ અજાણ્યા ઈસમો વાસણ ધોવાનો પ્રવાહી વેચવાની બુમો પાડતા હતા. જેથી તેમને મહેઝબીન ભુદરાએ બોલાવતા તેઓએ જણાવ્યું હતું કે જુના વાસણો સાફ કરી નવા જેવા ચમકાવી આપીએ છીએ. જેથી મહેજબીને ઘરમાં રહેલું એલ્યુમિનિયમ નું તપેલું આપ્યું હતું જે ચમકાવી આપ્યું હતું. ત્યાર બાદ ત્રણેય લોકોએ જણાવ્યું હતું કે સોના ચાંદીના દાગીના પણ ચમકાવી આપીએ છીએ. જેથી પગના પાયલ આપતા તે પણ ચમકાવી આપ્યા હતા.
ત્યારબાદ સોનાની ચેઇન માંગતા તે આપવાની ના પાડતા ત્રણ ઈસમ પૈકી એકે ગળામાંથી ચેઇન તોડી લઈ ભાગવા જતાં મહેઝબીન ભુદરાએ બુમાબુમ કરી મુકતા લોકોએ ત્રણેય લોકોને ઝડપી પાડી આમોદ પોલીસને હવાલે કર્યા હતા. આમોદ પોલીસે તપાસ કરતા તેઓના નામ આશિષ સુરેન્દ્રપ્રસાદ શાહ, સંજયકુમાર સિકંદર શાહ અને રાનીકુમાર જીતેન્દ્ર શાહ ત્રણેય બિહારના હોવાનું ખુલ્યું હતું. આમોદ પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.*