આમોદ નગરપાલિકાની સામાન્ય સભામાં મહેશભાઈ પટેલ પ્રમુખ અને ઉષાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ નગરપાલિકા સભાખંડમાં આજરોજ ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને આમોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે અઢી વર્ષ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલ તેમજ મહેન્દ્રભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
જેમાં મહેશભાઈ પટેલને ૧૪ સભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે મહેન્દ્રભાઈ દેસાઈને ૧૦ સભ્યોનું સમર્થન મળતા મહેશભાઈ ધૂળાભાઈ કા પટેલને પ્રમુખ તરીકે ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલ તેમજ ઉમેશભાઈ પંડ્યાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ઉષાબેનને ૧૪ સભ્યોનું સમર્થન મળ્યું હતું. તેમજ ઉમેશભાઈ પંડ્યાને ૧૦ સભ્યોનું સમર્થન મળતા ઉષાબેન પટેલને ઉપપ્રમુખ તરીકે ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા.
આમોદ નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવાની હોય આમોદ પાલિકા ખાતે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પ્રથમ અઢી વર્ષ માટે ચૂંટાયેલા પ્રમુખ મહેશભાઈ પટેલ ઉપપ્રમુખ ઉષાબેન પટેલનું તેમના સબંધીઓ તેમજ ભાજપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.
નવા ચૂંટાયેલા પ્રમુખ મહેશભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલે ચૂંટાયા બાદ સૌ પ્રથમ બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો નો નારો લગાવ્યો હતો.