આમોદ નગર પાલિકાના પ્રમુખની થયેલી ચૂંટણીમાં રાજીનામુ આપેલા પ્રમુખ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા !
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરપાલિકાના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજ રોજ આમોદ નગરપાલિકાના સભાખંડમાં નાયબ કલેકટર જંબુસરના અધ્યક્ષ સ્થાને પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જે બાબતે પાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આમોદ નગરપાલિકામાં હાલ કોંગ્રેસના ૧૫ સદસ્યો ભાજપના ૮ સદસ્યો અને એક અપક્ષ મળી કુલ ૨૪ સદસ્યો છે. આમોદ નગરપાલિકાના સભાખંડમાં આજ રોજ ૧૧ કલાકે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના એક મહિલા સદસ્ય મનીષાબેન અક્ષય પટેલ કોઈક કારણસર ગેરહાજર રહ્યા હતા.
આમોદ પાલિકા પ્રમુખની ચૂંટણી માટે ભાજપ તરફથી ભીખીબેન ભીખાભાઇ લીંબચીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જેમને ભાજપના સાત સદસ્યો અને એક અપક્ષ મળી કુલ આઠ સદસ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફથી સુશીલાબેન મહેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
જોકે પક્ષે તેમને મેન્ડેડ આપ્યો નહોતો. પરંતુ તેમને ૧૫ સદસ્યોનું સમર્થન મળતાં તેમને ચૂંટણી અધિકારી તરીકે આવેલા નાયબ કલેકટર એ.કે.કલસરિયાએ પ્રમુખ જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા પ્રમુખ સુશીલાબેન પટેલે ત્રણ મહિના પહેલા જ પોતે સામાજિક તથા અંગત કારણોસર પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં તેમણે પોતે ઉમેદવારી નોંધાવી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.જો તેમને ફરીથી પ્રમુખ બનવું હતું તો પછી તેમણે રાજીનામુ કેમ આપ્યું હતું ? જેવા સવાલો આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યા છે.*