આમોદ પંથકમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના ધાંધિયા સર્જાતા ખેડૂતોએ વીજકચેરી પાસે હલ્લો બોલાવ્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કપાસના મબલખ ઉત્પાદન માટે જાણીતા કાનમ પ્રદેશ ગણાતાં ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની સમસ્યાથી ખેડૂતો પરેશાન બન્યા છે.
વીજ કંપનીના અધિકારીઓ ગેરમાર્ગે દોરી ખેડૂતોને હેરાન કરી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.તેમજ લાઈટના અભાવે ખેડૂતોને લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે.જેથી ખેડૂતોએ આજે વીજ કચેરી ઉપર હલ્લાબોલ કરી અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નિણમ ફીડરનો એગ્રીકલ્ચર કેબલ બળી જતાં ખેડૂતોને પાણી વગર લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ દર્શાવી હતી.છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતો વીજ કંપની પાસે ખેતીની વીજ લાઈન ચાલુ કરવા માટે માંગ કરતા હતાં.
પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદના અધિકારીઓ ખેડૂતોની માંગ સંતોષવાને બદલે ગોળ ગોળ જવાબો આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હતા.ત્યારે આજે ગામના ૧૦૦ થી વધુ ખેડૂતોએ ભેગા મળી વીજ કંપની સામે હલ્લો કર્યો હતો.
ત્યાર બાદ આમોદ સબ સ્ટેશન પાસે પણ હલ્લો બોલાવી ખેડૂતોએ ભેગા મળી વીજ કંપનીના અધિકારીઓને સદબુદ્ધિ આવે માટે રામધૂન બોલાવી હતી.તેમજ જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતાં.ખેડૂતોએ એગ્રીકલ્ચર વીજ લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી વીજ કંપની પાસે જ રહેવાની મક્કમતા બતાવી વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરતાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું.
ત્યારે શાનમાં સમજી ગયેલા વીજ અધિકારીઓએ ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વીજ સપ્લાય આપવા તાબડતોડ કામે લાગી ગયા હતા.
આમોદ વીજ કંપનીના નાયબ ઈજનેર વી.સી. શાહ આમોદ સબ સ્ટેશને આવી પહોંચતા ખેડૂતોએ તેમનો પણ ઘેરાવો કરી તમે ખેડૂતોના ફોન કેમ ઉપાડતા નથી તેમ કહી ઉગ્ર રજુઆત કરવા માંડી હતી.તેમજ તમો કચેરીના સમય દરમ્યાન પણ હાજર રહેતા નથી અને સમયસર કચેરીએ આવતા પણ નથી.
ત્યારે અમારે ફરિયાદ કોને કરવી? તેમ કહી ખેડૂતોને પોતે વીજળી વગર લાખો રૂપિયાનું બિયારણ નાશ પામ્યું હોવાનું જણાવી સમયસર વીજળી મળે તેવી રજુઆત કરી હતી.