આમોદ પંથકમાં પરપ્રાંતિઓને વતનમાં મોકલવા માટે રેલવે ટિકિટના રૂપિયા લઈ રજીસ્ટ્રેશનની કામગીરી આરંભી

ભરૂચ, કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશ લોકડાઉન છે તેમજ વેપાર ઉદ્યોગ પણ પડી ભાંગ્યા છે ત્યારે પરપ્રાંતમાંથી ગુજરાતમાં રોજી રોટી કમાવા માટે આવેલા મજૂરોની હાલત દયનીય થઈ છે અને પરપ્રાંતીય મજૂરો બેરોજગાર બનતાં પગપાળા જ વતનમાં જવા માટે દોટ મૂકી છે.
કેટલાય મજૂરો કેડમાં નાનાં છોકરાંઓ તેમજ માથે સામાન લઈને ઉનાળાના બળબળતા બપોરમાં પગપાળા જ નીકળી પડતા ગુજરાતની સંવેદનશીલ સરકાર પણ વિમાસણમાં મુકાઈ હતી. જેથી પરપ્રાંતિઓને પોતાના વતન જવા માટે રેલવે ભાડું લઈને ઉત્તરપ્રદેશ તેમજ બિહાર જવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તરપ્રદેશ જવા માટેની ટીકીટ ૬૮૫ તથા બિહાર જવા માટે ૭૬૦ રૂપિયા મામલતદારની સૂચના મુજબ આમોદ પાલિકાના કર્મચારી દ્વારા વસુલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા ઉપર ભાજપના નેતાઓ દ્વારા કેન્દ્ર સરકાર તરફ થી ૮૫ ટકા તથા રાજ્ય સરકાર તરફ થી ૧૫ ટકા ટીકીટના રૂપિયા ચૂકવીને પરપ્રાંતિઓને પોતાના વતનમાં મફતમાં લઈ જવામાં આવશે તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.ત્યારે હકીકત કઈ જુદી જ સામે આવી છે અને કલેકટર કચેરી તરફ થી પણ પરપ્રાંતિઓ પાસે થી રેલવે ટીકીટના રૂપિયા વસુલવાનું ફરમાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.જે પરપ્રાંતિઓ મજૂરો બેકાર બનતા ખાવાના પણ ફાંફા પડતા ગરીબ મજૂરો પાસેથી ટિકીટના રૂપિયા લઈને તેમને પોતાના વતનમા મોકલવા માટે સંવેદનશીલ સરકાર સામે અનેક ચર્ચાઓ જાગી છે.