આમોદ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ પાલિકાના હાલ ભાજપનું શાસન છે જેમાં ભાજપના ૧૪ સદસ્યો તેમજ અપક્ષના ૧૦ સદસ્યો છે.આમોદ પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સદસ્યોમાં સંકલનના અભાવને કારણે આમોદ નગરમાં અનેક પ્રાથમિક જરૂરિતાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નહોતું.
જેથી આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ તથા અન્ય સદસ્યોએ આમોદ પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે ૯ મી ફેબ્રુઆરીના રોજ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નોટીસ મોકલી હતી.જેમાં આમોદ પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલના તેમના ૧૫ દિવસ વીતવા છતાં તેમણે કોઈ મીટિંગ બોલાવી ન હોતી.
ત્યારે આજરોજ આમોદ પાલિકાના ઉપપ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત બાબતે ખાસ એજન્ડા બહાર પાડ્યો હતો.જેથી આજ રોજ આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ બીજલભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને આમોદ પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની વિરોધમાં ૧૭ સદસ્યોની બહુમતી સાથે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હતી જેથી ભાજપની છાવણીમાં ભૂકંપ સર્જાયો હતો.
આ બાબતે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા ભાજપના ૧૪ સદસ્યોને વ્હીપ જાહેર કર્યા હતા.જે સદસ્યોએ વ્હીપનો અનાદર કરીને મતદાન કર્યું છે.તેમની સામે જિલ્લા સંકલન અને પ્રદેશ ભાજપ સાથે પરામર્સ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં બહુ મોટો ફર્ક હોય છે જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકશાન જવાનું નથી.