આમોદ પોલીસે તળાવ ખાલી કરવાની કામગીરી હાથધરી
ભરૂચ: આમોદ દિગમ્બર જૈન મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાંથી ભગવાનની ઉપર ચઢાવેલા છત્ર તેમજ સીપીયુ ઉઠાવી ગયા હતા.જેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ચલાવી રહ્યાં છે.જેમાં ગતરોજ આમોદ પોલીસ તપાસ અર્થે આવી હતી
ત્યારે પોલીસને તળાવમાં નજર કરતા તળાવમાંથી સીપીયુ મળ્યું હતું.જે અજાણ્યા તસ્કરોએ નાના તળાવમાં ફેંકી દીધું હોવાનું જાણવા મળ્યું છે.સીપીયુ પોલીસે કબજે લઈ વધુ તપાસ માટે નાના તળાવ માંથી પાણી ઉલેચી ખાલી કરવાની કામગીરી હાથ ધરી છે.આમોદ દિગમ્બર જૈન મંદિરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ આમોદ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે.પાંચ અજાણ્યા તસ્કરો મંદિરના સીસીટીવી ફુટેજમાં પણ કેદ થઈ ગયા હતા. પણ પોલીસ હજુ સુધી ચોરીનો ભેદ ઉકેલી શકી નથી.ત્યારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કોર્ડ તેમજ એફએસએલની પણ મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે.આમોદ પોલીસને નાના તળાવમાંથી સીપીયુ મળ્યા બાદ તળાવ માંથી ચોરાયેલી વધુ વસ્તુઓ મળશે તે આશંકાએ તળાવમાંથી પાણી ઉલેચવાની કામગીરી હાથધરી છે.