Western Times News

Gujarati News

આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર સાઈનબોર્ડના અભાવે અકસ્માતોની વણઝાર

ડિવાઈડર ઉપર વારંવાર વાહનો ચઢી જતા હોવાના બનાવો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ નગર પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી રોડનું કામ, રોડની સાઈડ પર ગટરનું કામ, ડિવાઈડરનું કામ તથા સર્વિસ રોડનું કામ કરવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું.જેનો વર્કઓડર સુરતની એજન્સીને આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટીમેન્ટમાં જણાવ્યા મુજબ કામ ન કરી નકશા વિરુધ્ધ કામ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો રોડ સાંકડો બનાવી દીધો હતો.જેથી આમોદ પાસે ડિવાઈડર ઉપર વારંવાર વાહનો ચઢી જવાના બનાવો બનતા રહે છે.

આમોદમાં બેન્ક ઓફ બરોડા સામે આવેલા હાઇ વે ડિવાઈડર ઉપર ગતરોજ રાત્રીના સમયે ભાવનગરથી દહેજ તરફ તેલના ડબ્બા અને અનાજ ભરીને જતી એક ઇકો ગાડી આમોદ પાસે ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી.જેથી કારને ભારે નુકશાન થયું હતું.અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી.પરંતુ કાર ચાલકે હાઇવે ઓથોરિટી સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.આ અગાઉ પણ આજ હાઇ વે ઓથોરિટીના રોડ ઉપર સાંકડા બનેલા રોડને કારણે ડિવાઈડર ઉપર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે.જેમાં વાહનચાલકોને પારાવાર નુકશાન ભોગવવું પડે છે.

છતાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી કરતા નથી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ વાહનચાલકો માટે સંકટરૂપ બન્યો છે.આ બાબતે આમોદના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ તેમજ ગાંધીનગર સુધી હાઈવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી કોન્ટ્રાકટર સામે પગલાં લેવા માંગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.