આમોદ સરકારી ગોડાઉનમાંથી ખાંડ અને ઘઉંની ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ, આમોદ નગરમાં તિલક મેદાન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન માંથી કોઈક અજાણ્યા ચોર સરકારી અનાજ ચોરી ગયા હતા.
જેમાં આમોદ પોલીસને મોટી સફળતા મળી હતી. અને આછોદ ગામના બે શખ્સોને સરકારી અનાજ તેમજ ટેમ્પો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સરકારી અનાજની ચોરીમાં આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ અને કોંગ્રેસના પ્રવક્તાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં તિલક મેદાન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગત ૧૯ થી ૨૧ જૂન દરમ્યાન સરકારી ખાંડ ૫૦ કિ.ગ્રા.ની કુલ ૨૧ બોરીઓ તેમજ ઘઉંની ૫૦ કિ.ગ્રા.ની ૨૨ બોરીઓ મળી કુલ ૨૫,૩૦૦ ના અનાજની ચોરી થઈ હતી.
https://westerntimesnews.in/news/129820
જેની ફરિયાદ ગોડાઉન મેનેજર બી વી વસાવાએ આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.જેના અનુસંધાને આમોદ પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.એ.ક્રિશ્ચિયને તપાસ કરતા માત્ર એક અઠવાડિયામાં જ સરકારી અનાજના ચોરને ઝડપી પાડ્યા હતા.
આમોદ તાલુકાના આછોદ ગામે મહંમદ રફીક આદમ ઉર્ફે બાબુ યુસુફ ભુદરા તેના ઘરમાં સરકારી અનાજ રાખી છૂટક વેચાણ કરે છે તેવી બાતમી મળતા તેના ઘરે ઝડતી તપાસ કરતા સરકારી અનાજ માંથી ખાંડની ૫૦ કિ.ગ્રા.ની ૨૧ બોરી તથા ઘઉંની ૫૦ કિ. ગ્રા. ની ૧૩ બોરીઓ જેની કિંમત કુલ કિંમત ૨૪,૪૦૦ તથા ચોરીના ગુનામાં ઉપયોગ થયેલ ટાટા ટેમ્પો જેની કિંમત ૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૨૪,૦૦૦ના મુદ્દામાલ સાથે બે ચોર નામે
(૧) મહંમદ રફીક આદમ ઉર્ફે બાબુ યુસુફ ભુદરા રહે આછોદ તા.આમોદ તથા (૨) આસીફ ઉમરજી યુસુફ ભુદરા રહે આછોદ તા. આમોદ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે આછોદ ગામના જ આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ અને કોંગ્રેસ પ્રવક્તા જકવાન ઉર્ફે જકકુ સઈદ ઈસ્માઈલ જાલ રહે આછોદ તથા સુહેલ હારૂન ઉર્ફે છોટુ હસન વોરા પટેલને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.