આયાની ક્રૂરતાનું ભોગ બનેલું બાળક હોસ્પિટલથી ઘરે આવ્યું
સુરત, કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઈ ત્યારે નિર્વાણનો જન્મ થયો હતો અને ત્યારથી જ તે જિંદગી સામે જંગ લડી રહ્યો છે. નિર્વાણ પ્રીમેચ્યોર હોવાથી તેને દોઢ મહિના માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં તેને ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
૪ ફેબ્રુઆરીએ ત્રીજી વખત નિર્વાણને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નિર્વાણને રાખતી આયાએ ગુસ્સામાં આવીને ગાદલામાં તેને પછાડ્યો હતો અને તેને બ્રેન હેમરેજ થયું હતું. રામ રાખે તેને કોણ ચાખે? નાનકડો નિર્વાણ પડકારોને પાર કરીને વિજેતા બનીને ઘરે પાછો આવ્યો છે.
આશરે એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ બુધવારે નિર્વાણ ઘરે પરત ફર્યો છે. નિર્વાણ માટે અત્યાર સુધીની સફર ખાસ્સી તકલીફદાયી રહી છે ત્યારે તેના જાેડિયા ભાઈ નિર્માણને તેની શૌર્યગાથા સાંભળવા માટે મોટા થવાની રાહ જાેવી પડશે.
નિર્વાણને પાંચ અને ત્રણ મિલીમીટરના બે બ્રેન હેમરેજ થયા હતા, ખોપરીમાં બે ફ્રેક્ચર હતા અને મગજની આગળની તરફ સોજાે આવી ગયો હતો. આટલું ઓછું હોય તેમ દિવસમાં કેટલીયવાર ખેંચ આવતી હતી. નિર્વાણ બેભાન થઈ ગયો હતો અને એ વખતે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. જેથી તેને થોડા દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. થોડા દિવસ વેન્ટિલેટર પર રહ્યા પછી તેને ફરી ભાન આવ્યું હતું અને જાતે શ્વાસ લેવા લાગ્યો હતો.