“આયુર્વેદ નિદાન ચિકિત્સા મેગા કેમ્પ” માં ૬૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો
અમદાવાદ જિલ્લાનાં માંડલ ખાતે અનેકવિધ વિકાસકામો સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વિંઝુવાડાનું પણ લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આંતરિયાળ તાલુકામાં પણ સરકારની તમામ યોજનાઓનો લાભ આપવા પ્રય્તનશીલ છે, ત્યારે માંડલ તાલુકાને પણ વિકાસના લાભો મળી રહ્યા છે. માંડલ તાલુકા અને આજુબાજુના વિસ્તાર માટે રાજ્ય સરકાર તરફથી માળખાગત સુવીધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સાથે દરેક તાલુકાને પ્રગતિશીલ બનાવીને ખેડૂતો, યુવાનો અને સમાજ-જાગૃતિના લાભો લોકોને મળે તે પ્રયાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, માંડલ તાલુકો હવે ઔદ્યોગિક બની ગયો છે. અહીં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રિયલ કંપનીઓ આવી ગઇ છે. જેના કારણે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થઇ છે. આ સાથે-સાથે રાજ્ય સરકાર દ્વારા પણ રોજગારીની તકો પૂરી પાડવામાં રહી છે. રાજ્ય સરકાર તમામ તાલુકાઓની માંગણી, લાગણી અને જરૂરિયાતોને પૂરી કરવાનું કામ કરી રહી છે. ખેડૂતોને લઇને માંડલ તાલુકામાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. આ સરકાર ખેડૂતોની જાળવણી અને મદદ કરનારી સરકાર છે. આ સાથે આરોગ્યની યોજનાઓનો લાભ પણ માંડલ તાલુકાના લાભાર્થીઓને મળી રહ્યો છે.
આ પ્રસંગે યોજાયેલ “આયુર્વેદ નિદાન ચિકિત્સા મેગા કેમ્પ” માં ૬૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. વિંઝુવાડાના ગ્રામ્ય પ્રજાજનોને હોસ્પિટલમાં વિનામૂલ્યે મળતી સારવારનો લાભ લેવા હોસ્પિટલના ઇન્ચાર્જ વૈધપંચકર્મ વૈદ્ય નીલેશ વૈદ્યે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સંસદ સભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી વિરમગામ લાખાભાઈ ભરવાડ, માજી ધારાસભ્યશ્રી ડૉ. તેજશ્રીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ બાબુ, નિયામકશ્રી આયુષ વૈદ્ય ભાવનાબેન પટેલ તથા મદદનીશ નિયામકશ્રી વૈદ્ય હેમંત જોષી ઉપસ્થિત રહ્યા હતા.