આયુષનું બજાર 2014માં માત્ર 3 અબજ ડૉલરથી વધીને આજે 18 અબજ ડૉલર થયુંઃ માહિતી અને પ્રસારણ મંત્રી
આયુષનું બજાર 2014માં માત્ર 3 અબજ ડૉલરથી એકદમ વધીને આજે 18 અબજ ડૉલર થયુંઃ માહિતી અને પ્રસારણ મંત્રી
ગાંધીનગરમાં સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઊંચી આશા સાથે સફળતાપૂર્વક સમાપન થયું. રૂ. 9,000 કરોડના રોકાણની દરખાસ્ત
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે પરંપરાગત દવામાં ભારત માટે વિશ્વ નેતૃત્વની વાત કરી
PIB Ahmedabad, ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) ગઇકાલે રાત્રે ઉચ્ચ નોંધ પર સફળતાપૂર્વક રીતે સમાપ્ત થઈ હતી, જેમાં આયુષ સેક્ટરમાં રૂ. 9,000 કરોડથી વધુના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (LoIs) ઈરાદાપત્રો થયા છે.
રોકાણની દરખાસ્તો એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક્સ અએ ખેડૂતો અએ કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં આવી છે.
આ સમિટ દરમિયાન, દેશો, પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, ખેડૂતોનાં જૂથો અને ઉદ્યોગો વચ્ચે 70થી વધુ એમઓયુ (સમજૂતી પત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન સિવાય, સમગ્ર ભારતમાં 35થી વધુ લશ્કરી છાવણી વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે આયુષ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સમાપન સમારોહમાં બોલતા, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ સમિટ આ સેક્ટરમાં રોકાણ આકર્ષવા માટે સક્ષમ માળખું વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. “રોકાણકારો અને સમગ્ર વિશ્વના ઉદ્યોગસાહસિકોએ આયુષ જે તુલનાત્મક લાભો રજૂ કરે છે એને અને તેની શક્તિઓને સમજ્યા છે,” એમ તેમણે ઉમેર્યું. શ્રી સોનોવાલે વધુમાં જણાવ્યું હતું કે આયુષનાં ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની તકો અમર્યાદિત છે.
આ પ્રસંગે બોલતા, રમતગમત અને યુવા બાબતો અને માહિતી અને પ્રસારણના કેન્દ્રીય પ્રધાનશ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આયુષનું બજાર 2014માં માત્ર 3 અબજ ડૉલરથી એકદમ વધીને આજે 18 અબજ ડૉલર થઈ ગયું છે, જે 75%ની અસાધારણ વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
મંત્રીએ આશા વ્યક્ત કરી કે દેશ ટૂંક સમયમાં જ આ ક્ષેત્રમાં ઘણાં સ્ટાર્ટ-અપ્સ અને આ ક્ષેત્રમાં રોકાણ કરતા ઘણાં બિઝનેસીસને જોશે. સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા માટેશ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આપણે આપણાં ઉત્પાદનોનાં વધુ સારાંપૅકેજિંગની જરૂર છે અને આ આક્રમક માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સાથે પૂરક હોવું જોઈએ.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે “ભારત માટે પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વ ગુરુ બનવાનો સમય આવી ગયો છે. આપણે વન અર્થ, વન હેલ્થની ભાવના સાથે કામ કરવું જોઈએ અને હીલ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપીનેઆપણા દેશને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવું જોઈએ”.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સમિટના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ હતા. પ્રવાસન રાજ્યમંત્રી શ્રી શ્રીપદ યેસો નાઈક અને આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.
ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ, 2022 એ ભારત સરકાર દ્વારા ભારતની પ્રાચીન દક્ષતા અને પરંપરાગત જ્ઞાન તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા અને ટકાઉ ભાવિ માટે માર્ગ મોકળો કરવા માટેનો એક વિશિષ્ટ પ્રયાસ હતો. “સારાં સ્વાસ્થ્ય અને સુખાકારી”ને પ્રોત્સાહન આપવાના ટકાઉ વિકાસ લક્ષ્ય નંબર 3ને અનુરૂપ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમિટ કુલ પાંચ પૂર્ણ સત્રો, આઠ રાઉન્ડ ટેબલો, છ વર્કશોપ્સ અને બે સિમ્પોઝિયમો સાથે પૂર્ણ થઈ હતી, આ તમામ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં ભરચક રહ્યા હતા. સમિટમાં 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી જોવા મળી હતી. તેમાં અમૂલ, ડાબર, કામ આયુર્વેદ, એકોર્ડ, આયુર્વેદ, નેચરલ રેમેડીઝ, એમ્બ્રો ફાર્મા અને પતંજલિ સહિત 30થી વધુ એફએમસીજી કંપનીઓની સહભાગિતા પણ જોવા મળી હતી.
ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસની ઉપસ્થિતિમાં 20મી એપ્રિલના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.