આયોજકોએ તકેદારી રાખવાની રહેશે કે હોળીની પ્રદક્ષિણામાં ગાઇડલાઇનનું પાલન થાય
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ બંને તહેવારનોની ઉજવણી સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી જાે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી જ સરકારે હોળી ધૂળેટીની ઉજવણી માટે ચોક્કસ નીતિ જાહેર કરી છે.
રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. જાેકે, હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.
માર્ગદર્શિકામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી મળશે નહી. આ તમામ સૂચનાઓના ચુસ્તપણે અમલીકરણ માટે તમામ પોલીસ કમિશનરો, તમામ જિલ્લા મેજીસ્ટ્રેટો, તમામ પોલીસ રેન્જના વડાઓ, તમામ પોલીસ અધિક્ષકોને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જાે ક્યાંક ઉપરના નિયમોનું ભંગ થતું જણાશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા જ હોળી-ધૂળેટી અંગે નિવેદન આપી ચૂક્યા છે.