આયોજન બધ્ધ યોજનાઓને લઇ, દુષ્કાળ ગુજરાત માટે ભુતકાળ બની રહ્યો છે :નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના જળવ્યવસ્થાપન અને ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિ અંતર્ગત આયોજન બધ્ધ યોજનાઓને લઇ, દુષ્કાળ ગુજરાત માટે ભુતકાળ બની રહ્યો છે એટલુ જ નહી ખેડૂતો સમૃધ્ધ બન્યા છે અને રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવામાં આવ્યુ છે.
જળસંપત્તિ પ્રભાગની રૂ.૪,૩૧૭.૨૦ કરોડની વર્ષ ૨૦૨૦-૨૧ ની માંગણીઓને ગૃહમાં મંજૂર કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જળસંપત્તિ વિભાગની માંગણીઓને ચર્ચાના જવાબમાં જણાવ્યુ કે ભૂગર્ભ જળની ચિંતાજનક સ્થિતિમાંથી બહાર આવવા રાજ્ય સરકારે જળ સંગ્રહ શક્તિ વધારવા અને કાર્યદક્ષ વિતરણ પર ઠોસ પગલા લીધા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, છેલ્લા ૧૮ વર્ષમાં સિંચાઇ ક્ષેત્રે પિયત વિસ્તાર ૩૮.૭૮ લાખ હેક્ટરથી વધી વર્ષ ૨૦૧૮ માં ૬૮.૨૮ લાખ હેક્ટર થયો છે. એટલુ જ નહી ગુજરાતનો કુલ ખેતીલાયક વિસ્તાર ૧૨૫ લાખ હેક્ટરમાંથી પ્રત્યેક્ષ અને પરોક્ષ સિંચાઇમાં અગાઉના ૩૧ % વિસ્તારને વધારી ૫૫ % સુધી પહોંચાડ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૮૫ થી વર્ષ ૧૯૯૫ સુધીના ૧૦ વર્ષમાં કુલ બજેટની ફાળવણી રૂ.૧૮૩૫ કરોડ હતી જે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૪૨૦૭૪ કરોડ કરવામાં આવી છે એટલે કે, વાર્ષિક ફાળવણીમાં ૨૩ ગણો વધારો કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જળસંપત્તિ વિભાગની અગત્યના કામોની જોગવાઇની વિગતો આપતા જણાવ્યુ કે, નર્મદાના પુરના વધારાના ત્રણ મીલીયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારની કામગીરી માટે રૂ.૨૧૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારની યોજનાઓ માટે રૂ.૧૧૪૨ કરોડ, વિવિધ જળસંચય યોજનાઓ અંતર્ગત ચેકડેમો, તળાવો ઉંડા કરવા તથા વોટર બોડીની પુન: સ્થાપનની કામગીરી માટે રૂ.૩૬૬ કરોડ, બંધ (ડેમ) સુરક્ષાના કામો માટે રૂ.૧૨૩ કરોડ, હયાત યોજનાઓની નહેર સુધારણા અને આધુનિકરણના કામો માટે રૂ.૩૬૫ કરોડ, સહભાગી સિંચાઇ વ્યવસ્થા માટે રૂ.૫૨ કરોડ, ક્ષાર પ્રવેશ નિયંત્રણના કામો માટે રૂ.૫૦ કરોડ, દરિયાઇ ધોવાણ અટકાવવાના કામો માટે રૂ.૧૨ કરોડ તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની સિંચાઇ યોજનાઓ માટે રૂ.૯૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભુગર્ભ જળની ગુણવતા સુધારવા ભારત સરકારે ગુજરાત રાજયના છ જીલ્લા માટે ૫ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના Over exploited કક્ષાના આવતા અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકા, બનાસકાંઠા જીલ્લાના ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ અને વડગામ તાલુકા, ગાંધીનગર જીલ્લાના ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકો, મહેસાણા જીલ્લાના બેચરાજી, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઉંઝા, વિજાપુર અને વિસનગર તાલુકો તેમજ પાટણ જીલ્લાના ચાણસ્મા, પાટણ અને સિધ્ધપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ષે આ યોજનાની પ્રાથમિક કામગીરી માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના “હર ખેત કો પાની” અંતર્ગત ડાંગ જીલ્લામાં ભૂગર્ભ જળના વપરાશ માટે કુલ-૨૮૫૪ નાના તથા સીમાંત ખાતેદારોને ૨૬૪૫ હેક્ટર વિસ્તાર માટે કુલ-૨૪૩૦ ખુલ્લા કુવા બનાવી સિંચાઇની સુવિધા આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત, નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧માં ૯૩૫ ખુલ્લા કુવા બનાવી સિંચાઇની સુવિધા આપવાનું આયોજન છે. જે માટે રૂ.૩૫.૦૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
જળસંગ્રહની કામગીરી માટે રાજ્ય સરકારે લીધેલા મહત્વપૂર્ણ પગલા અંગે શ્રી પટેલે જણાવ્યુ કે, રાજયમાં વર્ષ ૧૯૬૧ થી ૨૦૦૦ સુધીના ૪૦ વર્ષમાં માત્ર ૧૮,૩૫૬ ચેકડેમો બન્યા હતા, જયારે છેલ્લા ૧૯ વર્ષમાં ૧,૫૧,૦૫૩ ચેકડેમો બન્યા છે. આ ઉપરાંત સિંચાઇ યોજનાઓની પાણીની મૂળ સંગ્રહશક્તિ જળવાઇ રહે તે માટે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૮ અંતર્ગત કુલ ૭૫૫૨ તળાવો ઉંડા/ નવા કરવામાં આવ્યા તથા સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ અંતર્ગત માહે જૂન-૨૦૧૯ સુધી કુલ ૪૭૨૭ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રની સુકી ધરતીને નવપલ્લવીત કરવા અમલી સૌની યોજનાના બીજા તબક્કાના કામો પૂર્ણતાના આરે છે જેનાથી ૧૦ જિલ્લાના ૫૭ જળાશયોના ૩૭૭૮૫૧ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે તેમજ બીજા તબક્કામાં રૂ.૨૪૦૩ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા બોર તળાવનો પણ સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થવાથી ૯ જિલ્લા આ ૩૪ જળાશયો મારફતે ૨,૪૩,૦૦૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધશે.
ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ અંતર્ગત ૪૫૯ ગામો અને ૮ શહેરોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લા માટે અગત્યની થરાદથી સીપુ સુધીની પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. આ યોજના માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.જેનાથી થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના ૬૦૦૦ હેકટર વિસ્તારને સિંચાઇના લાભો ઉપલબ્ધ થશે.
કચ્છ જિલ્લામાં નર્મદાના પુરના વધારાના એક મીલીયન એકર ફીટ પાણીથી રૂ.૩૧૨ કરોડના ખર્ચે સિંચાઇ સુવિધા વધારવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેનાથી ૫૭,૮૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. આ ઉપરાંત બાકીની અલગ-અલગ સાત લીંક નહેરોની મોજણી અને સંશોધનની કામગીરી કરવામાં આવનાર છે. જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લોકો માટે કુલ રૂ. ૧૧૪૨ કરોડની બજેટ જોગવાઇ કરેલ છે. કડાણા-જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપલાઇન યોજના મહદઅંશે પૂર્ણ થયેલ છે જેનાથી ૧૦,૦૦૦ હેકટર વિસ્તારને સિંચાઇના લાભો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આ પાઇપલાઇન આધારિત વધારાના ૭૪ તળાવો અને ૧૨ નદી/કાંસમાં પાણી ભરવા માટે રૂ.૨૨૩ કરોડના ખર્ચે કરવાનું આયોજન છે જે માટે રૂ. ૧૦૩ કરોડની જોગવાઇ, જેનાથી ૪૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.