RSS દ્વારા ઈન્ફોસિસને રાષ્ટ્ર-વિરોધી ગણાવતા ભારતીય કંપનીઓમાં ભયનો માહોલ

નવીદિલ્હી, આરએસએસ દ્વારા ઈન્ફોસિસને ‘રાષ્ટ્ર-વિરોધી’ ગણાવવા જેવું આકરું વલણ અપનાવવામાં આવતાં ભારતીય કંપનીઓમાં ભય ફેલાયો છે. હજી ગયા મહિને જ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ઈ-કોમર્સ માટે સૂચિત આકરા નિયમોની ટીકા કરવા બદલ ૧૦૬ અબજ ડોલરના ટાટા ગૂ્રપની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે સ્વદેશી કંપનીઓએ માત્ર નફા અંગે ન વિચારવું જાેઈએ. ટાટા સન્સ અને ઈન્ફોસિસ જેવી જાયન્ટ કંપનીઓ અંગે સરકાર અને તેમના સાથી સંગઠને અપનાવેલા આકરા અભિગમ અંગે બિઝનેસ લીડર્સ ચિંતિત થઈ ગયા છે. તેઓ આ પ્રકારના નિવેદનોને ઉદ્યોગોની ‘પજવણી’ તરીકે જૂએ છે.
વૈશ્વિક કન્સલટન્સીમાં કામ કરતા એક એક્ઝિકયુટિવે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગોમાં બધા ભયભીત છે. તેઓ સરકાર અથવા આરએસએસના વિરોધમાં કશું જ બોલવા માગતા નથી.
મારૃતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે ઈન્ફોસિસનો બચાવ કરતાં કહ્યું કે કંપનીએ ભારતના સોફ્ટવેર ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઈટી વેબસાઈટમાં સમસ્યાઓ અંગે ટીકા થઈ શકે, પરંતુ તેને દેશને બદનામ કરવાનું કાવતરું ગણાવવું અને ઈન્ફોસિસ જેવી કંપનીને દેશ-વિરોધી ગણાવવાનો કોઈ અર્થ નથી.
દરમિયાન રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કોરોનાની રસીના સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર લગાવવા સામે સવાલ ઊઠાવ્યો હતો. તેમણે ગુરુવારે એક ન્યૂઝ રિપોર્ટને શૅર કરતાં ટિ્વટ કરી કે કોરોના રસીના સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો હાસ્યાસ્પદ છે. શું સ્વાસ્થ્ય મંત્રાલયે સર્ટિફિકેટ પર તેમનો ફોટો મૂકતા પહેલાં તેમની મંજૂરી લીધી હતી? એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે રસીના પ્રમાણપત્ર પર પીએમ મોદીની તસવીર હોવાથી વિદેશ જનારા ભારતીયોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ તેમજ તેમના વૈચારિક સાથી આરએસએસ દ્વારા દેશના ટોચના બે ઔદ્યોગિક જૂથ ટાટા સન્સ અને ઈન્ફોસિસની આકરી ટીકા પછી ‘સ્વદેશી’ ઔદ્યોગિક જૂથો કેન્દ્ર સરકાર અને તેમના વૈચારિક સંગઠન આરએસએસથી ભયભીત થઈ ગયા છે. વધુમાં આ મુદ્દે ભારતીય કંપનીઓમાં આંતરિક રીતે રોષ વ્યાપેલો છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
આરએસએસના મુખપત્ર સમાન સામયિક પાંચજન્ય દ્વારા તાજેતરમાં દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસિસને ઈન્કમ ટેક્સ વેબસાઈટમાં પેદા થયેલા અવરોધોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવા બદલ ‘દેશ-વિરોધી’ ગણાવાઈ હતી. આ લેખ પ્રકાશિત થયાના બીજા જ દિવસે આરએસએસે આ લેખથી અંતર જાળવ્યું હતું અને તેને લેખકનો પોતાનો મત ગણાવ્યો હતો. આમ છતાં સંઘના અન્ય એક નેતાએ ઈન્ફોસિસની આકરી ટીકાને યોગ્ય ગણાવી હતી.HS