આરટીઆઈમાં ખુલાસો: સહકારી બેંકોમાં ૫ વર્ષોમાં ૨૨૦ કરોડ રુપિયાની છેતરપિંડી
નવી દિલ્હી, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને ગત ૫ નાણાંકીય વર્ષોમાં છેતરપિંડી દ્વારા ૨૨૦ કરોડ રુપિયા કરતા વધારેનું નુક્સાન થયું છે. આ દરમિયાન બેંકોમાં ઠગાઈના અંદાજે ૧,૦૦૦ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા આ જાણાકારી પ્રાપ્ત થઈ છે. સૂચનાના અધિકાર (આરટીઆઈ) અંતર્ગત માંગવામાં આવેલા જાણકારીના જવાબમાં રિઝર્વ બેંકે જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૨૭.૭ કરોડ રુપિયાની છેતરપિંડીના કુલ ૧૮૧ કેસો નોંધાયા છે.
આ પ્રકારે બેંકોએ ૨૦૧૭-૧૮માં છેતરપિંડીના ૯૯ મામલા (૪૬.૯ કરોડ રુપિયા) અને ૨૦૧૬-૧૭માં ૨૭ કેસો (૯.૩ કરોડ રુપિયા)ની સૂચના આપી છે. આરટીઆઈએ જણાવ્યું કે, ૨૦૧૫-૧૬માં ૧૭.૩ કરોડ રુપિયાના ઠગાઈના ૧૮૭ કેસો સામે આવ્યા, જ્યારે ૨૦૧૪-૧૫ દરમિયાન ૧૯.૮ કરોડ રુપિયાના આ પ્રકારના ૪૭૮ મામલા સામે આવ્યા છે.
આરટીઆઈમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૪-૧૫ અને ૨૦૧૮-૧૯ દરમિયાન શહેરી સહકારી બેંકોમાં ૨૨૧ કરોડ રુપિયાની કુલ ૯૭૨ ઠગાઈના કેસો નોંધવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે જણાવ્યું કે, બેંકોએ આરબીઆઈને છેતરપિંડીના કેસો અંગે જાણકારી આપવી જરૂરી હોય છે. બેંકો માટે જરૂરી છે કે, તેઓ કર્મચારીઓની જવાબદારી પર ધ્યાન આપે અને આરોપી જણાય તો તેમને દંડ કરે.
આરબીઆઈએ આ મામલે કેટલી કાર્યવાહી કરવામાં આવી, તેની વિગતો આપવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે, આ આંકડા સરળતાથી નથી મળતા. દેશભરમાં કુલ ૧૫૪૪ સહકારી બેંકોમાં ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી કુલ ૪.૮૪ લાખ કરોડ રુપિયા જમા હતા. જેમાં સૌથી વધુ ૩ લાખ કરોડ રુપિયા મહારાષ્ટ્રની ૪૯૬ બેંકોમાં જ જમા છે. આ પ્રકારે ગુજરાતની ૨૧૯ સહકારી બેંકોમાં ૫૫,૧૦૨ કરોડ રુપિયા અને કર્ણાટકની ૨૬૩ સહકારી બેંકોમાં ૪૧,૦૯૬ કરોડ રૂપિયા જમા છે.