આરટીઆઈ એક્ટિવિસ્ટના પગમાં ખિલીઓ ઠોકી દેવાઈ
બાડમેર, ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં ક્રાઈમ રેટ ચોંકાવનારી હદે વધ્યો છે.મહિલાઓ પર છાશવારે રેપના કિસ્સા બની રહ્યા છે ત્યારે હવે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ પર શરાબ માફિયાઓએ હુમલો કર્યો છે.
ગુંડાઓએ બાડમેર જિલ્લાના એક્ટિવિસ્ટ અમરારામની બર્બરતા પૂર્વક ધોલાઈ કરી હતી.તેના પગ પર લોખંડના સળિયા ફટકાર્યા હતા અને હથોડાથી તેના પગમાં ખીલીઓ મારી હતી.સળિયાને પગની આરપાર ઘૂસાડી દીધો હતો અને બાદમાં તેને રસ્તાના કિનારે અધમરી હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં શરાબ માફિયાઓનો હાથ હોવાની આશંકા છે.કારણકે બે દિવસ પહેલા જ આરટીઆઈ એક્ટિવિસ્ટે શરાબ માફિયાઓ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.જે પછી પોલીસે કાર્યવાહી કરી હતી.અમરારામ સતત શરાબ માફિયાઓ સામે પોલીસને જાણકારી આપી રહ્યો હતો.ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર અંગે પણ તેણે ફરિયાદ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે જાેધપુરથી પોતાના ગામ જઈ રહેલા અમરારામને બુધવારની સાંજે ગુંડાઓએ રસ્તામાંથી ઉઠાવી લીધો હતો અને એ પછી સૂમસાન જગ્યાએ તેની બર્બરતા પૂર્વક પિટાઈ કરી હતી.
પોલીસનુ કહેવુ છે કે, ગુંડાઓને પકડવા માટે ચાર ટીમો બનાવાઈ છે અને પોલીસ સુરક્ષા હેઠળ અમરારામની સારવાર ચાલી રહી છે.
અમરારામે અગાઉ પણ ફેસબૂક પર લખ્યુ હતુ કે, મને સતત ધમકીઓ મળી રહી છે અને મેં પોલીસને પણ જાણ કરી છે.હું આખરી શ્વાસ સુધી લડતો રહીશ.SSS