RTEમાં અમદાવાદની ૬૯ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધો

અમદાવાદ, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટે હાલમાં બીજા રાઉન્ડની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદની ૬૯ જેટલી સ્કૂલમાં આરટીઈના એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો ન હોવાની વિગતો સામે આવી છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમની સ્કૂલો પર પસંદગી ઉતારી હોવાથી હિન્દી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ લીધો ન હોવાનું જાણવા મળે છે. ૬૯ સ્કૂલ પૈકી ૫૫ સ્કૂલ હિન્દી માધ્યમની છે. બીજા રાઉન્ડની કાર્યવાહીમાં હવે બુધવારના રોજ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છેલ્લો દિવસ બાકી હોવાથી વાલીઓનો ધસારો જોવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરટીઈ અંતર્ગત અમદાવાદની ૧૩૦૦ સ્કૂલમાં ૧૪૭૭૮ બેઠક છે. જેમાં પ્રથમ રાઉન્ડની કાર્યવાહી દરમિયાન ૧૪૦૮૭ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જેમાંથી ૧૩૨૯૪ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. જ્યારે બીજા રાઉન્ડની કાર્યવાહીમાં ૧૪૯૪ બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં ૯૪૬ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી લીધો છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદની ૬૯ જેટલી સ્કૂલ એવી સામે આવી છે, જેમાં એક પણ વિદ્યાર્થીએ આરટીઈમાં પ્રવેશ લીધો નથી.
હાલમાં જે રીતે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેને જોતા વાલીઓ બાળકોને હિન્દી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ અપાવતા નથી. જેના આરટીઈમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો ન હોય તેવી સ્કૂલોમાં મોટાભાગની સ્કૂલો હિન્દી માધ્યમની છે. હિન્દી માધ્યમની ૫૫ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થીએ આરટીઈમાં પ્રવેશ લીધો નથી.
આ ઉપરાંત ગુજરાતી માધ્યમની ૧૩ અને અંગ્રેજી માધ્યમની ૧ સ્કૂલનો સમાવેશ થાય છે. વાલીઓ દ્વારા પસંદગી ભરી ન હોવાના લીધે આ સ્કૂલોમાં પ્રવેશ થયા ન હોવાની વિગતો સામે આવી છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ જાહેર કર્યાે હતો. જેમાં ૭૦૦૬ બાળકને પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી.
આ બાળકોના પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે ૨૮ મે સુધીની મુદત વાલીઓને આપવામાં આવી હતી. જેથી હવે બુધવારના રોજ વાલીઓ પાસે શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છેલ્લો દિવસ બાકી રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ યોજવો કે કેમ તે અંગે નિર્ણય કરાશે.SS1MS