આરતી ઈન્ડસ્ટ્રીઝનાં વોક ઈન ઈન્ટરવ્યુમાં કોરોનાની ગાઈડલાઈનનાં ધજાગરા ઉડયા
કંપનીના એચ.આર મેનેજર સહીત અન્ય બે મળી ત્રણ લોકો સામે જાહેરનામાના ભંગ બદલ નો ગુનો દાખલ. : ઈન્ટરવ્યૂ માટે આવેલા યુવાનો નિરાશ : કંપની દ્વારા ઓનલાઈન ઈન્ટરવ્યૂ લેવાની હૈયાધારણા અપાતા રાહત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના એ.બી.સી સર્કલ પાસેની રિજન્ટા હોટલમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીના ઈન્ટરવ્યુમાં સરકારી ગાઈડલાઈનના ધજાગરા ઉડતા કંપનીનાં પાંચ અધિકારીઓની સી ડીવીઝન પોલીસે અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લામાં આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝનાં વોક ઈન ઈન્ટરવ્યુ માટે આપવામાં આવી હતી.જાહેરાત અનુસાર એબીસી સર્કલ પાસેની હોટલ રિજન્ટામાં વોક ઈન ઈન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું હતું.જાહેરાતના પગલે હાલ ના બેરોજગારી ના સમયમાં ખૂબ મોટી સંખ્યા માં ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ઉમટી પડતા સરકારની કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ધજાગરા ઉડયા હતા.જેની જાણ થતાં કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ શમશાદઅલી સૈયદ, અને અન્યો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
આ અંગેની જાણ ભરૂચ સી ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને જાહેરનામાનાં ભંગ બદલ સી ડીવીઝન પોલીસે કંપનીના એચ.આર મેનેજર કલ્પેશ સુરેન્દ્રસિંહ બોરદ્રા રહે,માધવ રો.હાઉસ સોસાયટી,અડાજણ,સુરત
તથા કંપની ના અન્ય માણસો આકાશ વિનોદચંદ્ર મહેતા રહે,કબીરપુરા,ખત્રીવાડ ભરૂચ અને મહેશ જ્યોતિબા પાટીલ રહે,આર.કે.કાઉન્ટી ઝાડેશ્વર ભરૂચ નાઓએ કંપનીનુ ઓપન ઈન્ટરવ્યુ રાખી પબ્લીક ભેગી કરી ત્યા હાજર લોકોએ માસ્ક પહેરેલ ન હોય અને કંપની માણસોએ કોઈપણ જાતની મેનેજમેન્ટ વગર કોવીડ-૧૯ કોરોના વાઈરસ ને અટકાવવા માટે કોઇ પણ જાતની સોશીયલ ડીસ્ટન્સીંગ કે થમલ સ્કેનીંગ,સેનીટાઈઝર રખાવેલ ન હોય
તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતની વ્યવ્સ્થા કરેલ ન હોય તેમજ ઉપરી અધિકારીની પરમીશન વગર ઓપન ઈન્ટરવ્યુ રાખી પબ્લીક ભેગી કરી કોવીડ-૧૯ કોરોના વાઈરસ ફેલાય તે રીતે બેદરકારી ભર્યું વર્તન કરી જાહેરનામાનો ભંગ કરતા ઈ.પી.કો.કલમ ૧૮૮,૨૬૯ આપદા પ્રબંધન અધિનિયમની કલમ ૫૧(બી) મુજબનો ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવ બાદ કંપની સત્તાધીશોએ નોકરી માટે આવેલા લોકોને સાંત્વના આપી ઓનલાઈન ઈન્ટરવ્યુ લેવામાં આવશે તેવી બાહેંધરી આપતા નોકરી માટે આવેલા યુવાનો ને હાશકારો થયો હતો.