આરાધ્યા ભણવાને બદલે બીજું કામ કરતાં દાદાએ ટોકી
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ દરમિયાન હોસ્ટ અને બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના અનુભવો અને પરિવાર વિશે ઘણીવાર વાતો કરે છે. તેમની પાસેથી અજાણી અને ન સાંભળેવી વાતો સાંભળીને ફેન્સ પણ ખુશ થઈ જાય છે. કેબીસીના હાલના એપિસોડ દરમિયાન, બિગ બીએ પોતાની પ્રપૌત્રી આરાધ્યા બચ્ચન વિશે વાત કરી હતી.
આપને જણાવી દઈએ કે, કૌન બનેગા કરોડપતિ ૧૨માં આ અઠવાડિયું સ્ટુડન્ટ સ્પેશિયલ છે. તેથી સ્ટુડન્ટ હોટ સીટ પર બેસીને ગેમ રમી રહ્યા છે. અલીના પટેલ નામની કન્ટેસ્ટન્ટને હોસ્ટ કરતી વખતે અમિતાભ બચ્ચને આરાધ્યાના ઓનલાઈન ક્લાસ દરમિયાનનો એક કિસ્સો સંભળાવ્યો હતો.
કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી સ્ટાર કિડ્સ પણ સ્કૂલ દ્વારા યોજવામાં આવતા વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. બિગ બીએ ખુલાસો કર્યો કે, એકવાર ઓનલાઈન ક્લાસ દરમિયાન આરાધ્યા સ્ક્રીનની સામે યોગાસન કરી રહી હતી. તેમનું ધ્યાન જતાં તેમણે તરત જ તેને ટોકી હતી. મુંબઈમાં રહેતી ૧૧ વર્ષની અલીનાની નોન-સ્ટોપ વાતોથી અમિતાભ બચ્ચન પણ ઈમ્પ્રેસ થયા હતા. તેમણે ખૂબ વાતો કરનારી અલીનાને મિસ વાતોડીયણ નામ આપી દીધું.
અમિતાભ બચ્ચન અને તેમની પ્રપૌત્રી આરાધ્યા વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત છે. થોડા સમય પહેલા એક ટીવી શો દરમિયાન બિગ બીએ આરાધ્યા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એકવાર વાતચીત દરમિયાન આરાધ્યાએ તેમને કોરોના વાયરસનો વાસ્તવિક અર્થ સમજાવ્યો હતો. આરાધ્યાએ તેમને સમજાવતા કહ્યું હતું કે, કોરોના શબ્દનો અર્થ મુગટ થાય છે પરંતુ તેનો વાસ્તવિક અર્થ કરો ના મતલબ કે ના કરશો થાય છે.