આરોગ્યની સુખાકારી માટે 10 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/amit3-1024x682.jpg)
આરોગ્યની સુખાકારી માટે 10 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરી આપવામાં આવી છે. આ આરોગ્ય સુવિધાનો લાભ 8 લાખથી વધુ લોકોને મળશે. કોવિડને અનુલક્ષીને અગ્રતાના ધોરણે 6 એમ્બ્યુલન્સ, 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા પૂરી પાડવામાં આવી.
ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં કોવીડને અનુલક્ષીને અગ્રતાના ધોરણે ૬ એમ્બ્યુલન્સ અને ૨ આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને ૨ મોબાઈલ લેબોરેટરીની સુવિધા પૂરી પાડવામાં આવી
શ્રી અમિતભાઈ શાહે ઉભી કરેલી આરોગ્ય સુવિધાનો લાભ ૮ લાખથી વધુ લોકોને મળશે
• કોવીડ મહામારી માટે યુદ્ધના ધોરણે ૧૦૦ બાયપેપ મશીન અને ૨૫ વેન્ટીલેટરની વ્યવસ્થા કરી
• સોલા સિવિલ માટે ૫૦ બાયપેપ મશીન અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માટે ૫૦
બાયપેપ મશીનની વ્યવસ્થા કરાઈ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના આ કપરા સમયમાં ગુજરાતની જનતા-જનાર્દનની આરોગ્ય સેવા સુખાકારી માટે ૧૦ કરોડના વિવિધ સાધન સહાય આપવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઈ શાહનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી છે તે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. ગુજરાતની જનતા અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર વચ્ચે ગુજરાતને શ્રી અમિત ભાઈ શાહે કરેલી આ મદદ સહાય આશીર્વાદ રૂપ નીવડશે..
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સંકટના સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલી આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે આરોગ્ય સુખાકારી માં વધુ સહાયક બનશે,
શ્રી અમિતભાઈ શાહે જી.એમ.ડી.સી. હોસ્પિટલ અને કોલવડા ઓક્સીજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પોતાના સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર સેવા માટે ૧૦ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવેલી આ સાધન સહાય આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી સંબધિત સ્થળોએ પહોચાડવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર વાહકોએ રવાના કરી હતી
અમદાવાદ સોલા સિવિલ ખાતે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આઈસીયુ ઓન વ્હીલ્સ, મોબાઈલ લેબોરેટરી અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉભી કરેલી આરોગ્ય સુવિધાનો લાભ ૮ લાખથી વધુ ગ્રામીણ લોકોને મળશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, શ્રી અમિતભાઈ શાહે કોરોનાકાળમાં પોતાના મત વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધાઓની પણ દરકાર કરીને આદર્શ સાંસદનો દાખલો બેસાડયો છે.
આ પહેલથી સરકારી હોસ્પિટલોની આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું. કોવીડ મહામારીના સમયમાં પ્રજાને જરુરી આરોગ્યસુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં રૂ. ૧૦ કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે,
જેમાંથી ૧૦૦ બાયપેપ મશીન અને ૨૫ વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી ૫૦ સોલા સિવિલ ખાતે અને ૫૦ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. કેન્દ્રીયમંત્રીશ્રીની આ વ્યવસ્થાના પગલે તાત્કાલિક ધોરણે ૬ એમ્બ્યુલન્સ અને ૨ આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને ૨ મોબાઈલ લેબોરેટરીની સુવિધા જનતાને મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાને પગલે અમદાવાદ જિલ્લાના ૧૬૦ ગામડાઓ, ગાંધીનગર જિલ્લાના ૧૦૦ ગામડા અને ૪ નગરપાલિકા વિસ્તારની જનતાને રાહત થશે*
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની આ પહેલના પગલે ગાંધીનગર વિસ્તારની પ્રજાને ૧- એમ્બ્યુલન્સ વાન, ૧- મોબાઈલ ટેસ્ટિંગ વાન અને ૧- આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધાનો લાભ મળશે. જ્યારે અમદાવાદ ક્ષેત્રની પ્રજાને ૬ એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદ સોલા સિવિલ ખાતે આંખના રોગોના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે.
કોવીડની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ,નાનોદરા, વિરોચનનગર,સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
અમદાવાદના સાણંદ અને બાવળા વિસ્તારમાં ૨ ડિજિટલ એક્સ રે મશીન, ૨ સોનોગ્રાફી કલર મશીન, ૬ ઓક્સિજન કોન્સનટ્રેટ મશીન, ૧૨ બાયનોક્યુલર માઈક્રોસ્કોપ, ૨ ડિજિટલ એક્સ રે મશીન અને ફિઝિયોથેરાપીના મશીનો ફાળવવામાં આવ્યા છે.
ગાંધીનગર વિસ્તારમાં ૧ સોનોગ્રાફીક મશીન, ૧ ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનેલાઈઝર, ૧ લેપ્રોસ્કોપીક મશીન યુનિટ, ૧ પોર્ટેબલ ઈ.સી.જી મશીન અને ૧ ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીન ફાળવવામાં આવ્યું છે.
નગરપાલીકાવાર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ઉભી કરેલી આરોગ્ય સુવિધાઓ જોઈએ તો બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ અને સોલા સિવિલ અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) માટે એમ્બ્યુલન્સ. સાણંદ-બાવળા માટે મોબાઈલ લેબોરેટરી વાન, ડિજિટલ એક્સ રે મશીન, કલર સોનોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઈક્રોસ્કોપ અને ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરઢવ માટે એમ્બ્યુલન્સ વાન, ગાંધીનગર માટે બ્લડ સેલ મોબાઈલ વાન અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ તથા કાલોલ-ગાંધીનગર માટે બાયનોક્યુલર માઈક્રોસ્કોપ. કલોલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (સી.એચ.સી.) માટે સોનોગ્રાફી મશીન 3 ડી & 4 ડી, ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનલાઈઝર, લેપ્રોસ્કોપી ઓટોમેટિક કેમેસ્ટ્રી અને ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.
આ બધી સુવિધાઓ મળતી થવાને કારણે રાજ્ય સરકારને કોરોના સંક્રમણ નિયંત્રણ સામેના જંગમાં નવી શકિત અને નવી દિશા મળશે એટલું જ નહિ સારવાર વ્યવસ્થાઓ પણ વધુ સુદ્રઢ બનતા કોરોનાગ્રસ્તોની દરકાર અને કાળજી વધુ વ્યાપક પણે લઇ શકાશે.