આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સાઇકો-સોશિયલ પગલાં માટે માર્ગદર્શિકા બહાર પાડી
નવી દિલ્હી, દેશમાં કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનની કામગીરી પર નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સહયોગથી વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
કેબિનેટ સચિવે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા છે કે, લૉકડાઉનના પગલાંનું સુનિશ્ચિતપણે પાલન કરતી વખતે વિસ્થાપિત શ્રમિકોની પરિસ્થિતિ અંગે સંકલન અને વ્યવસ્થાપન કરવામાં આવે અને તેમને રાહત કેન્દ્રો/ ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં ભોજન, પાણી, તબીબી પૂરવઠો અને સફાઇની વ્યવસ્થા આપીને તેમની યોગ્ય સુખાકારી અને સંભાળ પર ધ્યાન આપવામાં આવે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગઇકાલે યોગ્ય ક્વૉરેન્ટાઇન અને સાઇકો-સોશિયલ પગલાં માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી જે https://www.mohfw.gov.in/pdf/ RevisedPsychosocialissuesofmigrantsCOVID19.pdf પર ઉપલબ્ધ છે.
નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અંતર્ગત રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તાલીમબદ્ધ કાઉન્સેલર્સ અને/અથવા તમામ ધર્મના સામુદાયિક સમૂહોના નેતા રાહત શિબિરોની મુલાકાત લેશે અને વિસ્થાપિતોને સાઇકો-સોશિયલ સહાય આપશે. નામદાર સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર ટેકનિકલ પૂછપરછ માટે, આરોગ્ય મંત્રાલય દ્વારા ઇમેલ આઇડી ([email protected]) આપવામાં આવ્યું છે જે નવી દિલ્હી ખાતે આવેલી AIIMS જેવી સંસ્થાઓમાંથી પ્રમાણભૂત ટેકનિકલ માહિતી પૂરી પાડશે. તમામ ટેકનિકલ માર્ગદર્શિકાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ (https://www.mohfw.gov.in/) પર પણ ઉપલબ્ધ છે. સાથે સાથે કોવિડ-19 સંબંધિત પ્રશ્નોત્તરી માટે ટૉલ ફ્રી નંબર (1075) અને હેલ્પલાઇન આઇડી ([email protected]) પણ કાર્યરત છે.
વધુમાં, રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિસ ઓથોરિટી (NPPA) દ્વારા સૂચના આપવામાં આવી છે કે, તબીબી ઉપકરણોના 24 વર્ગોને 1 એપ્રિલ 2020થી ડ્રગ (ભાવ નિયંત્રણ) આદેશ 2013ની જોગવાઇ અંતર્ગત ગુણવત્તા નિયંત્રણ અને ભાવની દેખરેખ હેઠળ લાવવામાં આવશે જેથી કોઇપણ ઉત્પાદક આ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા 12 મહિનાની MRP કરતા 10%થી વધુ વધારી શકે નહીં.
આયુષ મંત્રાલયે પણ ખાસ કરીને કોવિડ-19ના સંદર્ભમાં શ્વસન સંબંધિત તંદુરસ્તી માટે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા સુરક્ષાત્મક સ્વાસ્થ્ય સંભાળમાં જાતે કાળજી લેવાની માર્ગદર્શિકા માટે વિવિધ પગલાં સૂચવ્યા છે.
આયુષ મંત્રાલયે એવું પણ ભારપૂર્વક કહ્યું છે કે, લૉકડાઉન સંબંધિત માપદંડો, સૂચિત સામાજિક અંતર અને ધાર્મિક મંડળો માટે મોટી સંખ્યામાં સમૂહોમાં ભેગા થવા અંગેના નિર્દેશોનું પાલન કરવું જોઇએ.
અત્યાર સુધીમાં, 1637 કેસોની પુષ્ટિ થઇ છે અને 38 વ્યક્તિના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસોની પુષ્ટિ થઇ છે અને વધુ 3 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. 132 લોકો સાજા થયા છે/સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.