આરોગ્ય મંત્રીના અમદાવાદ ખાતે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ ખાતે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
વર્ષ 2001-02માં ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ આઉટપુટ રૂ. 44,800 કરોડ હતું અને આજે રૂ 6.7 લાખ કરોડ પહોંચ્યું છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું જ્યાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એમક્યોર ફાર્મના નવનિર્મિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી અને માહિતી પણ મેળવી હતી તથા વધુમાં રિસર્ચ સેન્ટરમાં થઈ રહેલા કર્યો વિશે પણ વાકેફ થયા હતા. મંત્રીશ્રીઓએ અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ એમક્યોર ફાર્માસ્યુટિકલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા 'વિકસિત ભારત'ના આહ્વાનને પગલે દેશ અને રાજ્યમાં અનેક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે. વર્ષ 2001-02માં ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ આઉટપુટ રૂ. 44,800 કરોડ હતું અને આજે રૂ 6.7 લાખ કરોડ પહોંચ્યું છે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી સમિટના પરિણામે રાજ્યમાં નવા નવા ઉદ્યોગો આવ્યા અને સમગ્ર ગુજરાતમાં કલસ્ટર બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે. કોરોના કાળ વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાના સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલી કામગીરીથી આરોગ્ય ક્ષેત્રે દેશનું નામ વૈશ્વિક લેવલે નોંધાયું અને વેક્સીનેશનની કામગીરી પણ વખાણાઈ.
આરોગ્ય ક્ષેત્રે રાજ્યમાં થઈ રહેલા કાર્યો વિશે મંત્રીશ્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં રાજ્ય સરકાર વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ કટિબદ્ધ છે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુ ઉમેર્યું કે, આજે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા નીતિ વિવિધ કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષી રહી છે.આજે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પણ ખ્યાતનામ કંપનીઓ પોતાના રીસર્ચ સેન્ટર,પ્રોડકશન હાઉસ સ્થાપી રહી છે ત્યારે આવી કંપનીઓ થકી આગામી સમયમાં વધુ નવા રિસર્ચ થાય અને રાજ્યનું નામ ફાર્મા ક્ષેત્રે આગળ વધે તેવો આશાવાદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે એમક્યોર ફાર્મા સ્યુટિકલના સ્થાપક અને સીઈઓ શ્રી સતીશ મહેતાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમણે કંપની વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં અદ્યતન ટેકનોલોજી અને સંશોધન સાથે હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ફાર્મા ક્ષેત્રે નોંધપાત્ર સિમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રસંગે એમક્યોર કંપનીના શ્રી ડો. સંજય સિંઘ, શ્રી ડો. મુકુંદ ગુર્જર, શ્રી સમીત મહેતા, શ્રી નમિતા થાપર, શ્રી ડો. દીપક ગોંડલિયા તથા એમક્યોર કંપની સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.