આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાઠંબા Health Elevenનો વિજય
સાઠંબા Health Eleven આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં જીલ્લા પંચાયત ટીમ વિરુદ્ધ વિજય મેળવ્યો
” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીનીયસ ગ્રાઉન્ડ પર જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાના તમામ તાલુકાની હેલ્થ ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ફાઇનલમાં પહોંચેલી અરવલ્લી જિલ્લા પંચાયત હેલ્થ ઇલેવન અને બાયડ તાલુકાની સાઠંબા હેલ્થ ઇલેવન ટીમો વચ્ચે તા.૨૬/૫/૨૦૨૨ ના રોજ જીનિયસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ યોજાઈ ગઈ ફાઇનલ મેચમાં સાઠંબા ઇલેવનના કેપ્ટન સુખદેવ વાળંદે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ અરવલ્લી જિલ્લા હેલ્થ ઇલેવનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય સાઠંબા હેલ્થ ઇલેવન માટે નિર્ણાયક પુરવાર થયો હતો, અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અરવલ્લી હેલ્થ ઇલેવન ટીમનું પ્રદ ર્શન નિરાશા જનક રહ્યું હતું અને અરવલ્લી હેલ્થ ઇલેવન નિર્ધારિત ૧૨ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ફક્ત ૭૨ રન બનાવી શકી હતી,જે લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઠંબા હેલ્થ ઇલેવને ૯.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૭૫ રન બનાવી શાનદાર વિજય મેળવ્યો હતો.
સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ હિતેશ પ્રજાપતિને પ્લેયર ઓફ ધ સિરીઝ,સાઠંબા હેલ્થ ઇલેવનના કેપ્ટન સુખદેવ વાળંદને બેસ્ટ બોલર તથા ડૉ.નીરવ પટેલને બેસ્ટ બેટ્સમેન જાહેર કરવામાં આવ્યા હતા. ફાઇનલમાં વિજેતા બનેલી સાઠંબા હેલ્થ ઇલેવન ટીમને ” આરોગ્ય કર્મચારી મંડળી ” તરફથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કૌશલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
દિલીપ પુરોહિત. બાયડ