Western Times News

Gujarati News

આરોગ્ય વિભાગ દ્વારા વિરમગામ તાલુકામાં કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ દ્વારા) વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી રહ્યા છે ત્યારે કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિરમગામ તાલુકાના લાયઝન અધિકારી એ.ડી.એમ.ઓ શિલ્પા પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર નીલકંઠ વાસુકિયા, ડો.જીગર દૈવિક, ડો.ઉર્વિ ઝાલા, ડો.મયુરેશ ગઢવી, ડો.વિપલ મોરડીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કોરોના અસરગ્રસ્ત દેશમાંથી આવેલા પેસેન્જરની ગૃહ મુલાકાત લઇને પરિવારજનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને પેસેન્જર હોમ ક્વોરન્ટાઇન જ રહે તેવી સૂચના આપવામાં આવી હતી. વિરમગામ એસટી બસ સ્ટેન્ડ ખાતે નોવેલ કોરોના વાયરસ  અંગે જનજાગૃતિ કરવામાં આવી અને એસટી બસ ઉપર સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.

ડેપો મેનેજર સાથે મિટિંગ કરી કોરોના વાયરસ અટકાયતી પગલા ભરવા માટે જણાવવામાં આવ્યું હતુ.  વિરમગામ કોર્ટ ખાતે ઇન્ફ્રારેડ થર્મોમીટરથી ટેમ્પરેચર માપવામાં આવ્યું અને કોરોના વાયરસ અટકાયતી પગલાં અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત હેન્ડ વોશિંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. વિરમગામ શહેરના વિવિધ વિસ્તારો અને ગામ્ય વિસ્તારો ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. વધુમાં  વિરમગામ ખાતે વાહકજન્ય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે,. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.