આરોપીને ટ્રાયલ વગર જેલમાં રાખવો તે ટ્રાયલ પહેલાં સજા સમાન:બોમ્બે HC

જામીન એ નિયમ છે અને તેનો ઇનકાર અપવાદ છે
કોર્ટે ખીચોખીચ ભરેલી જેલોની પણ નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે અદાલતોએ સંતુલન જાળવાની જરૂર છે
મુંબઈ,
બોમ્બે હાઇકોર્ટે એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે કેદીને ટ્રાયલ વગર અટકાયતમાં રાખવા તે ટ્રાયલ પહેલાની સજા સમાન છે. જામીન એ નિયમ છે અને જામીનનો ઇનકાર એક અપવાદ હોવો છે. કોર્ટે ખીચોખીચ ભરેલી જેલોની પણ નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે અદાલતોએ સંતુલન જાળવાની જરૂર છે.૯ મેએ જસ્ટિસ મિલિંદ જાધવ ખંડપીઠે ૨૦૧૮માં ભાઇની કથિત હત્યા માટે ધરપકડ કરાયેલા વિકાસ પાટીલ નામના આરોપીને જામીન આપતા આ અવલોકનો કર્યા હતાં. ન્યાયાધીશ જાધવે નોંધ્યું હતું કે હાલમાં ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગી રહ્યો છે અને જેલો કેટલાંક વિસ્તારોમાં ખીચોખીચ ભરેલી હતી. કાચા કામના કેદીઓ લાંબા સમયથી કસ્ટડીમાં હોય તેવા નિયમિતપણે ઘણા કેસો આવે છે.
ન્યાયાધીશ જાધવે આર્થર રોડ જેલના સુપરિનટેન્ડન્ટના ડિસેમ્બર ૨૦૨૪ના અહેવાલનો ઉલ્લેખ કર્યાે હતો, જેમાં જણાવાયું હતું કે જેલ તેની મંજૂર ક્ષમતા કરતાં છ ગણી વધુ ભરાયેલી છે. દરેક બેરેકમાં ૫૦ કેદીઓ રાખવાની મંજૂરી છે, પરંતુ તેમાં ૨૨૦થી ૨૫૦ કેદીઓ છે.કોર્ટે કહ્યું હતું કે આ એવા કેસ છે, જે લાંબા સમયથી જેલમાં બંધ કાચા કામના કેદીઓની સ્વતંત્રતા સંબંધિત છે, જે ઝડપી ન્યાય અને વ્યક્તિગત સ્વતંત્રતાના તેમના બંધારણીય અધિકારને અસર કરે છે.
મુખ્ય નિયમ એ છે કે જામીન એ નિયમ છે અને તેનો ઇનકાર એ અપવાદ છે. લાંબા સમય સુધી કાચા કામના કેદીને અટકાયતમાં રાખવાથી ટ્રાયલ વગરની સજા આપવા સમાન છે. લાંબા સમયથી કેદમાં હોય તેવા આરોપીની જામીન અરજીનો પણ જોરદાર વિરોધ કરવાની ફરિયાદ પક્ષની માનસિકતા અને અભિગમમમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત દર્શાવતા કોર્ટે જણાવ્યું હતું કે ગુનો ગંભીર છે અને તેથી જામીન ન આપવા જોઇએ તેવી દલીલ કરીને જામીનનો હંમેશા વિરોધ કરાતો હોય છે. SS1