આરોપીને પકડવામાં પનો ટૂંકો પડતા પોલીસ હવે સોશ્યલ મીડીયાના શરણે

પ્રતિકાત્મક
સાણંદમાં નવેમ્બર મહિનામાં પતિએ પત્નીનું ધડથી માથુ અલગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતોઃ ચાર મહિનાના લગ્નજીવનનો અંત લાવવા પતિએ કાવતરૂ ઘડ્યુ હતુ
(એજન્સી) અમદાવાદ, ધંધુકાના કિશન ભરવાડની હત્યાના ગણતરીના દિવસોમાં અમદાવાદ જીલ્લા એસઓજીની ટીમે અમદાવાદના મૌલાના સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી,
ત્યારે અમદાવાદ જીલ્લાના સાણંદ ખાતે નવેમ્બર મહિનામાં પત્નીનું ધડથી માથુ અલગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપનાર પતિ હજુ સુધી પક્કડમાં આવ્યો નથી. જેથી હવે પોલીસે સોશ્યલ મીડીયાનું શરણું લેવુ પડ્યુ છે. હત્યારા પતિને પકડવા માટે પોલીસને પનો ટૂંકો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.
સાણંદના હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિએ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી ધડથી માથુ જુદી કરીને હત્યા કર્યાની ઘટનાને અઢી મહિના થઈગયા, પરંતુ હજુ સુધી ક્રુર પતિ પોલીસ સકંજામાં આવ્યો નથી.
અને આઝાદ ફરી રહ્યો છે. સાણંદના કપુરવાસ ખાતે રહેતા હિતેશ ગોહિલના લગ્ન તા.૧રમી જુલાઈ ર૦ર૧ના રોજ કચ્છના રાપરમાં રહેતા હંસાબેન સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા.
લગ્નના થોડાક દિવસ બાદ હંસાબેનના પિયરવાળા તેને રીત રિવાજ મુજબ તેડી ગયા હતા. અને ત્યારબાદ તેઓ તેમના પિયરમાં જ રહેતા હતા. હિતેશના માતા-પિતા મૃત્યુ પામ્યા હોવાથી તે તેના દાદી સાથે રહેતો હતો. નવેમ્બર મહિનામાં હિતેશના સંબંધીઓ હંસાબેનને રાપરમાં તેડવા માટે ગયા હતા.
હંસાબેનને તેડીને લાવ્યા એ પહેલાં જ હિતેશે તેની હત્યા કરવા માટેનુૃં ષડયંત્ર-કાવતરૂ ઘડી નાંખ્યુ હતુ. કાવતરાના ભાગરૂપે અલગથી મકાન ભાડેથી રાખી લીધુ હતુ. અને જે દિવસે હંસાબેનને તેડીને લાવ્યા એ જ દિવસે હિતેશે તેના દાદીને અલગ રહેવા માટેની જીદ કરી હતી.
હિતેશના ઈરાદાથી અજાણ દાદીએ અલગ રહેવા માટેની પરમિશન આપી દીધી હતી. હિતેશ હંસાબેનને લઈને ગઢવી વાસમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જ્યાં તેણેે અત્યંત નિર્દયતાપૂર્વક હંસાબેનની ઘાતકી હત્યા કરી નાંખી હતી.
આંગળી કાપીને વીંટીની લૂંટ પણ ચલાવી હતી
હિતેશે પહેલાં હંસાબેનને માથા પર બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં ધારીયુ કે તલવારનો ઉપયોગ કરીને ધડથી માથુ અલગ કરી દીધુ હતુ.
ધડથી માથુ અલગ કર્યા બાદ હિતેશે હંસાબેનની સોનાની વીંટી કાઢવાની કોશિષ કરી હતી. જાે કે તે નહીં નીકળતા અંતે હથિયાર વડે આંગળી પણ કાપી નાંખી હતી. અત્યંત ઠંડા કલેજે હંસાબેનની ઘાતકી હત્યા કર્યા બાદ હિતેશ મકાનને લોક કરીને નાસી ગયો હતો. જાે કે મકાનમાંથી દેુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.