આર્ચરીમાં દીપિકા કુમારીનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
નવી દિલ્હી: દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. પાંચ સેટ બાદ સ્કોર ૫-૫થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો મજબૂતીથી સામનો કર્યો અને શૂટ ઓફમાં પરફેક્ટ ૧૦ સ્કોર કર્યો અને રિયો ઓલમ્પિકની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી. એક તીરના શૂટ ઓફમાં શરૂઆત કરતાં રશિયન તીરંદાજ દબાણમાં આવી ગઈ અને સાત જ સ્કોર કરી શકી.
જ્યારે દીપિકાએ દસ સ્કોર કરીને મેચ ૬-૫થી જીતી. ત્રીજી વર ઓલમ્પિક રમી રહેલી દીપિકા ઓલમ્પિક તીરંદાજી ઇવેન્ટના અંતિમ આઠમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે. આ ઉપરાંત ભારતીય તીરંદાજ અતુન દાસ પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અતનુ દાસે ગુરૂવારે બીજા ચરણની ખૂબ રોમાંચક મેચમાં બે વારના ઓલમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓ જિન્હયેકને શૂટ ઓફમાં હરાવ્યો હતો.
આગામી ચરણમાં અતનુ દાસનો સામનો જાપાનના તાકાહારૂ ફુરૂકાવા સાથે થશે, જે લંડન ઓલમ્પિકમાં વ્યક્તિગત સિલ્વર મેડલ વિજેતા છે. ફુરુકાવા અહીં બ્રોન્ઝ મેડલ જીતનારી જાપાનની ટીમનો હિસ્સો પણ હતો. નોંધનીય છે કે, અતનુ દાસ અને દીપિકા કુમારીએ ગયા વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. આજે દીપિકાની મેચ દરમિયાન અતનૂ હાજર હતો અને પોતાની પત્નીનો ઉત્સાહ વધારતો જાેવા મળ્યો હતો.