આર્થિક તંગી સર્જાતા ચાકરનું પગલું: સરભાણ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરનાર ચાકર ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ તાલુકાના સરભાન ગામે ગત ૧૪મી સપ્ટેમ્બરના રોજ ખેડૂતના કુવા પાસેથી ટ્રેકટર તેમજ કલ્ટીવેટર ચોરાયું હતું જેની ફરિયાદ ખેતર માલિકે આમોદ પોલીસ મથકે નોંધાઈ હતી.જેની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સરભાન ગામે બીપીનભાઈ રમણભાઈ પટેલના કુવા પાસે રાખેલું ટ્રેકટર તેમજ કલ્ટીવેટર ચોરાયું હતું. જે ત્યાં રહી ખેતી કામ કરતા ચાકર નરેશ પીદયાભાઈ ભુરિયા રહે.ભેં ગામ તા.ગરબાડા જી.દાહોદને આર્થિક તંગી સર્જાતા તેમણે ખેતરમાલિક પાસે પૈસાની માંગણી કરી હતી
પરંતુ ખેડૂતે ના આપતા તે આઈસર કંપનીનું ટ્રેકટર કિંમત ૩૦૦૦૦૦ તથા કલ્ટીવેટર કિંમત રૂપિયા ૨૦૦૦૦ લઈને પોતાના વતન ભાગી ગયો હતો.જેથી ટ્રેકટર માલિક બિપિન પટેલે આમોદ પોલીસને ટ્રેકટર તેમજ કલ્ટીવેટર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર તથા સ્ટાપના માણસોએ ભેં ગામે પહોંચી જઈ નરેશભાઈ પીદયા ભુરિયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.