આર્થિક સુસ્તી વચ્ચે રિલાયન્સની માર્કેટ મૂડી વધી ૯.૫ લાખ કરોડ
મુંબઈ: ટેલિકોમ કંપનીઓની કફોડી હાલત અને આર્થિક મંદીની સ્થિતિમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં અવિરત વધારો થઇ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે તેની સફળતામાં વધુ એક સિદ્ધિ ઉમેરી દીધી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી હવે ૯.૫ લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં આ કંપની આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે. આજે રિલાયન્સના શેરમાં ૩.૩ ટકા સુધીનો વધારો થતાં તેના શેરની કિંમત ૧૫૦૬.૭૫ સુધી પહોંચી હતી. ત્યારબાદ કારોબાર દરમિયાન તેના શેરમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી.
કારોબારના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રના શેરમાં ૩.૫૦ ટકાનો ઉછાળો રહેતા તેના શેરની કિંમત આજે કારોબારના અંતે ૧૫૦૯.૮૦ની સપાટીએ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૯.૫૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડી સુધી પહોંચનાર પ્રથમ કંપની બની ગઈ હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ કંપનીના શેરમાં આશરે ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેના શેરની કિંમત ઇન્ટ્રા ડે દરમિયાન ઓલટાઇમ હાઈ ૧૫૧૪.૯૫ સુધી પહોંચી હતી. જા કે ત્યારબાદ તેના શેરમાં આંશિક ઘટાડો રહ્યો હતો.
આરઆઈએલની માર્કેટ મૂડી એવા સમયે વધી રહી છે જ્યારે અન્ય હરીફ કંપનીઓ મુશ્કેલી અનુભવી રહી છે જેમાં ભારતી એરટેલ અને વોડાઆઈડિયાનો સમાવેશ થાય છે. છેલ્લા મહિનામાં આરઆઈએલે જાહેરાત કરી હતી કે, કંપની એક નવી ગૌણ કંપની પણ શરૂ કરનાર છે જે હેઠળ ડિજિટલ ઇનિસિએટીવ અને એફ કારોબાર આવશે તેમાં ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવનાર છે. આ નવી કંપની ભારતમાં સૌથી વધારે ડિજિટલ સર્વિસ ઉપલબ્ધ કરાવનાર કંપની બની જશે.