આર્મીનાં કર્નલ સાથે ઠગ દંપતીએ છ લાખની છેતરપીંડી આચરી
શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: આર્મીના કર્નલ સાથે છેતરપીંડીની ઘટના બહાર આવી છે. શાહીબાગ કેન્ટોન્મેન્ટમાં ફરજ બજાવતા કર્નલે ઓળખીતાના કહેવા પર લેભાગું કંપનીમાં રોકાણ કર્યા બાદ તેનું સંચાલકે વળતર ન આપતા કર્નલને ચેક આપ્યા હતા જે તમામ ચેક બાઉન્સ થતાં કર્નલે રૂપિયા છ લાખની છેતરપીંડીની ફરીયાદ શાહીબાગ ખાતે નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે સુમિત રમેશ રણદીવે (શાહીબાગ) ભારતીય ભુમિદળમાં કર્નલ તરીકે સેવા આપે છે તેમના ઓળખીતા કેપ્ટન કિરણે સપ્ટેમ્બર ર૦૧૯માં ઓમ સાવરીયા નામના શખ્સો સાથે ઓળખ કરાવી હતી જેમણે પોતાની સીડીસી એડવર્ટાઈઝીંગ (પુણે) નામની કંપનીમાં ધંધો વધારવા માટે રૂપિયાની જરૂર હોઈ રોકાણ કરવાનું કહયું હતું આ માટે કર્નલને ઉંચુ વળતર આપવાની બાંહેધરી પણ આપી હતી.
જેથી ઉંચા વળતરની લાલચમાં આવી ગયેલા કર્નલે ટુકડે ટુકડે સીડીસી કંપનીના એકાઉન્ટમાં કુલ ૧૦ લાખ રૂપિયા ભરી કંપનીમાં રોકાણ કર્યુ હતું જાકે રૂપિયા મળી ગયા બાદ ઓમ તથા તેની પત્ની દુર્ગી કોઈ જવાબ ન આપતા જેથી પુણે પહોંચી ગયેલા કર્નલને ઠગ દંપતીએ ચેક આપતા કર્નલે ચેક વટાવવા જતાં તે બાઉન્સ થયા હતા જેને પગલે ચોંકી ઉઠેલા કર્નલે રૂપિયા છ લાખની છેતરપીંડી આચરવાની ફરીયાદ ગઠીયા દંપતી વિરૂધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.